Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

નેપાળના વડાપ્રધાન ઓલી પોતાની પાર્ટીમાં જ ઘેરાયા

ભારત સહિત નેપાળમાં હિન્દુ હિતકારોનો વિરોધ : ભગવાન રામ ભારતમાં નહીં પરંતુ નેપાળમાં જન્મ્યા હતા એવા નેપાળના વડાપ્રધાનના નિવેદનથી જોરદાર વિવાદ

કાઠમંડુ, તા. ૧૪ભગવાન રામ ભારતમાં નહીં પરંતુ નેપાળમાં જન્મ્યા હતા અંગેના નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વિવાદાસ્પદ નિવેદનથી તેઓ માત્ર ભારતીયોના નહીં પરંતુ તેમની પાર્ટીને નિશાને પણ ચડી ગયા છે. તેમના વિચિત્ર નિવેદનથી ચોંકી ગયેલા તમામ લોકો નેપાળ પીએમની ટીકા કરી રહ્યા છે. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના મોટાભાગના નેતાઓ તેમની ખુલ્લેઆમ નિંદા કરીને નિવેદન પાછુ ખેંચવા માટે માંગ કરી રહ્યા છે. ભારતમાં પણ તેમની સામે વિરોધ ઉઠ્યો છે. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉપ અધ્યક્ષ બામદેવ ગૌતમ પણ નિવેદન બદલ ઓલીની ટીકા કરી ચૂક્યા છે.

             આ સંદર્ભે તેમણે ફેસબુક પોસ્ટ લખી હતી કે પીએમ ઓલીના નિવેદને આંતરરાષ્ટ્રીય વિવાદ પેદા કર્યો છે. મે બે વર્ષ પહેલા તેમને જ્ઞાનના અભાવે નિવેદન આપવાની સલાહ પણ આપી હતી. તેમણે લખ્યુ હતું કે વાતથી ફરક નથી પડતો કે ભગવાન રામનો જન્મ ક્યાં થયો હતો, એનાથી વાસ્તવિક કોમ્યુનિસ્ટ્સને કોઇ ફરક પડતો નથી. રામના ભક્ત નેપાળ અને ભારતમાં મોટી સંખ્યામાં છે. અમે કોમ્યુનિસ્ટ ઇતિહાસ સાથે અન્યાય નથી કરી શકતા. ઉલ્લેખનીય છે કે રાજકીય સંકટમાં ફસાયેલા નેપાળ વડાપ્રધાન ઓલીના વિવાદાસ્પદ નિવેદન સામે તેમની પાર્ટીના નેતાઓ સામે પડ્યા છે અને માંગ કરી રહ્યા છે તે ઓલી પોતાનું નિવેદન પાછુ ખેંચે.

(10:34 pm IST)