Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વિકાસ દુબેના ઘરમાંથી એકે-૪૭ રાયફલ-કારતૂસ મળી આવ્યા

કાનપુરના ડોનનું તાજેતરમાં એક્નાઉન્ટર થયું હતું : પોલીસે વધુ એક સાગરિતની ધરપકડ કરી, વિકાસની ગેંગે આ શસ્ત્રોને પોલીસ ટીમ પાસેથી જ લૂંટી લીધા હતા

કાનપુર, તા. ૧૪ :  કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓને મોતને ઘાટ ઉતારનારા અને ચાર દિવસ પહેલાં જેનું એક્નાઉન્ટર કરી નાખવામાં આવ્યું તે વિકાસ દુબેના વધુ એક સાથની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓ પાસેથી લૂંટી લેવામાં આવેલા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પોલીસ પાસેથી લૂંટવામાં આવેલા અનેક હથિયારો બિકરૂ ગામમાંથી જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. વિકાસ દુબેના ઘરેથી એકે-૪૭ અને ૧૭ કારતુસ મળી આવ્યા છે. પ્રશાંત કુમારે બિકરૂ કાંડના વધુ એક આરોપી શશિકાંતની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. ધરપકડ કરાયેલા આરોપી શશિકાંતના માથે ૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

           શશિકાંતના ખુલાસા બાદ પોલીસે વિકાસ દુબેના ઘરેથી એકે-૪૭ અને ૧૭ કારતુસ જપ્ત કરી લીધા હતા અને શશિકાંતના ઘરેથી પણ ઈન્સાસ રાઈફલ મળી આવી છે. એડીજી પ્રશાંત કુમારના કહેવા પ્રમાણે આ સમગ્ર કેસમાં ૨૧ આરોપી હતા જેમાંથી ચારની ધરપકડ કરી લેવાઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શ્યામુ વાજપેયી, જહાન યાદવ, દયાશંકર અગ્નિહોત્રી અને શશિકાંતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં છ આરોપીઓ પોલીસ એક્નાઉન્ટરમાં માર્યા ગયા છે જેમાં વિકાસ દુબે, રાજારામ, અતુલ દુબે, અમર દુબે, પ્રભાત મિશ્રા અને પ્રવીણ દુબેનો સમાવેશ થાય છે. એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે, ૧૨૦બી અંતર્ગત સાતેય લોકોની ધરપકડ કરી લેવાઈ છે. બે આરોપી જેલમાં છે અને આ મામલે હજુ૧૧ આરોપીની તપાસ ચાલુ છે.

           તે સિવાય મહારાષ્ટ્રમાંથી પકડાયેલા બે લોકોને રિમાન્ડ પર યુપી લાવવામાં આવી રહ્યા છે અને નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરના બિકરૂ ગામમાં બે જુલાઈની રાતે દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમ પર વિકાસ દુબે અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો. તે સમયે ક્ષેત્રાધિકારી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસ કર્મચારી શહીદ થયા હતા. ત્યાર બાદ એક્નાઉન્ટરમાં વિકાસ દુબે અને તેના પાંચ સાથી માર્યા ગયા છે.

(10:27 pm IST)