Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ચીન માર્યા ગયેલા સૈનિકોનાં શબ પરિવારને આપતું નથી

ચીન સૈનિકોને શહીદ ગણવા તૈયાર નથી : અમેરિકી રિપોર્ટસ પ્રમાણે ૪૦થી ૧૦૦ ચીની સૈનિકો મર્યા છે, ઘર્ષણમાં ભારતના ૨૦ સૈનિકો શહીદ થયા હતા

નવીદિલ્હી, તા. ૧૪ : લદ્દાખની ગલવાન ખીણમાં ભારત સાથેના ઘર્ષણમાં માર્યા ગયેલા ચીનના સૈનિકોનાં શબ દફનાવવા માટે પણ જિનપિંગના વહીવટીતંત્રએ કડકાઈ દાખવી હોવાનું બહાર આવ્યું છે. મૃત સૈનિકોના શબની તેમના પરિવારજનોને સોંપણી પણ કરવામાં આવતી નથી. ભારતે ઘર્ષણ બાદ ૨૦ સૈનિકો શહીદ થયા હોવાની જાહેરાત કરી હતી. સૈનિકોના સંપૂર્ણ પણે માન સન્માન અને પ્રોટોકોલ પ્રમાણે અંતિમ  સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, ચીન તો પોતાના માર્યા ગયેલા સૈનિકોને શહીદ ગણવા માટે પણ તૈયાર થઈ રહ્યું નથી તેવો ખુલાસો અમેરિકાના જાસૂસી અહેવાલમાં થયો છે. ચીને પોતાના કેટલા જવાનો મર્યા છે તે પણ જાહેર કર્યુ નથી. આંકડો ૪૦ થી ૧૦૦ સુધી હોઈ શકે છે.

         જોકે માર્યા ગયેલા સૈનિકોના પરિવાજનો સાથે પણ ચીને બહુ ખરાબ વર્તન કર્યુ હતુ. રિપોર્ટમાં કહેવાયુ છે કે, ચીનની સરકારે સૈનિકોનામૃતદેહ પરંપરાગત રીતે દફનાવવા માટે પણ તેમના પરિવારજનોને પરવાનગી આપી નહોતી.અમેરિકાના સૂત્રોએ કહ્યું છે કે, ચીનના સિવિલ અફેર્સ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકના પરિવારજનોને કહ્યું છે કે, સૈનિકોને દફનાવવાની જગ્યાએ તેમના અંતિમ સંસ્કાર કરવામાંઆવે.જેમાં કોઈ સામેલ નહીં થાય. ચીને માટે કોરોના વાયરસનું કારણ આગળ ધર્યુ છે પણ ચીનનો પ્રયત્ન છે કે, ગલવાન ખીણમાં માર્યા ગયેલા સૈનિકોનો આંકડો બહાર ના આવે.

         ચીનની સરકારની હરકતથી ચીની સૈનિકોના પરિવારજનો ગુસ્સામાં છે. સરકાર હવે તેમને શાંત કરવા માટે પ્રયત્નો કરી રહી છે.ચીનની સોશ્યલ મીડિયા સાઈટસ વીબો અને બીજા પ્લેટફોર્મ પર લોકો પોતાનો ગુસ્સો અને દુખ વ્યક્ત કરી રહ્યા છે.

(10:26 pm IST)