Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ચાંદીએ ૫૨૦૦૦ને પાર, સોનું ૫૧,૦૦૦ની નજીક

ચાંદીમાં તોફાની તેજીથી મૂડીરોકાણકારો ખુશ : સોનાના ઊંચા ભાવને કારણે રોકાણકારો ચાંદી તરફ વળ્યા રોકાણકાર ડિમેટ સ્વરૂપે ગોલ્ડની ખરીદી તરફ ડાયવર્ટ થયા

અમદાવાદ, તા. ૧૪ : સોનાની તુલનાએ ચાંદીમાં તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઝડપી ૧૯.૫૦ ડોલર  નજીક ૧૯.૪૭ ડોલર પહોંચી છે જેના કારણે સ્થાનિક બજારમાં આજે ખુલતા બજારે વધુ રૂ.૮૦૦ ઉછળી રૂ.૫૨૦૦૦ની સપાટી કુદાવી રૂ.૫૨૩૦૦ બોલાઇ રહી છે. સોનાની સતત વધી રહેલી કિંમતો અને ઊંચા ભાવના કારણે રોકાણકારો હવે ચાંદી તરફ આકર્ષાયા છે. ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખુલવા સાથે ફંડોનું પણ ચાંદીમાં વધી રહેલી ખરીદીના કારણે તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૧૯.૭૦ ડોલરની સપાટી ઉપર બંધ આપે તો આગળ જતા ૨૦.૩૦-૨૧.૦૦ ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. વૈશ્વિક સોનું વર્ષની ઉંચાઇએ પહોંચી ૧૮૧૩ ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં પણ ભાવ નવી ટોચે પહોંચ્યા છે. અમદાવાદ ખાતે સોનું વધુ ૩૦૦ વધી રૂ.૫૦૯૦૦ રેકોર્ડ સપાટી પર રહ્યું છે.

           ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે સ્થિર રહ્યો હતો જેના કારણે ઝડપી તેજી અટકી છે. આગફ્ર જતા રૂપિયામાં વધુ ઘસારો થશે તો સોના-ચાંદીમાં ઝડપી તેજીની શક્યતા રહેલી છે. બૂલિયન એનાલિસ્ટો ફંડામેન્ટલ તેજી તરફી દર્શાવી રહ્યાં છે. સોનાની ઉંચી કિંમતો અને સ્થાનિકમાં માગ ઠંડી રહેતા સોનાની આયાત સતત ઘટી રહી છે. લોકડાઉનના કારણે ગેરકાયદે આયાત પણ ઘટી છે. વધતી કિંમતોથી જ્વેલર્સ દ્વારા હોલ્ડિંગ મજબૂત થયું છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તેજીનો ચમકારો જોવા મળ્યો છે. રોકાણકારો ફિઝિકલના બદલે હવે ડિમેટ સ્વરૂપે ગોલ્ડની ખરીદી તરફ ડાઇવર્ટ થયા છે. ક્રૂડ ઓઇલમાં બે તરફી ચાલ રહી છે. બ્રેન્ટ ક્રૂડ ફરી ઘટી ૪૩ ડોલરની સપાટી અંદર ૪૨.૬૪ રહ્યું છે.

(7:49 pm IST)