Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કેન્સરનો ખાત્મો કરશે નવી રસી

પહેલા તબક્કાનું પરીક્ષણ સફળ

નવી દિલ્હી તા. ૧૪ : વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવાર માટે એક રસી તૈયાર કરી છે જેના આશાવાદી પરીણામ મળ્યા છે. વૈજ્ઞાનિક પોતાના પ્રિકિલીનીકલ અભ્યાસના સફળ પરીણામ પછી મનુષ્યમાં આ નવી કેન્સરની રસીનું પરીક્ષણ કરવા માટે સંપુર્ણ રીતે સજજ છે.

આ નવી રસી કિવન્સલેન્ડ યુનિવર્સિટીના સહયોગથી ધ ટ્રાન્સલેશન રિસર્ચ ઇન્સ્ટિીટયૂટની એક રિસર્ચ ટીમ દ્વારા વિકસીત કરવામાં આવી છે. પ્રમુખ શોધ કર્તા અને એસોસિએટ પ્રોફેસર ક્રિસ્ટન રેડફોર્ડના જણાવ્યા મુજબ આ નવી વેકિસનમાં જુદા જુદા પ્રકારના બ્લડ કેન્સર અને ઘાતક કેન્સરની સારવાર કરવાની ક્ષમતાછે. જે કેન્સરની રસી માટે એક મોટી સફળતા છે.

તેમણે જણાવ્યુ કે અમે આશા રાખીએ છીએ કે આ રસીનો ઉપયોગ બ્લડ કેન્સર જેવા માઇલોઇડ લ્યુકેમિયા, ગૈર-હોડગ્કિન લિંફોમા, મલ્ટિપલ માયલોમા અને પીડિયાટ્રીક લ્યુકેમિયા સિવાય સ્તન, ફેફસા, ડિમ્બગ્રંથી, અગ્નાશ્ય કેન્સર વગેરે માટે કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિશ્વભરમાં ૯ લાખ કરતાં વધારે લોકો બ્લડ કેન્સરના શિકાર બને છે જયારે દર વર્ષે ૬૮ હજાર કરતાં વધારે લોકો મૃત્યુને ભેટે છે. શોધકર્તાઓએ કેન્સર કોશિકાઓના વિકાસને રોકવા માટે એક ફેટી એસિડ પર અભ્યાસ કર્યો છે. જેમાં તેમને માલુમ પડયુ કે ડાયહોમોગ મ્માલિનોલેનિક એસિડ (ડીજીએલએ) નામનું એક ફેટી એસિડ માનવ કેન્સર કોશિકાઓનો નાશ કરી શકે છે.

રેડફોર્ડે જણાવ્યુ કે અમારી નવી રસી ટયૂમર વિશિષ્ટ પ્રોટીન સાથે સંકળાયેલ માનવ એન્ટીબોડીથી બની છે. અમે માનવ કોશિકાઓને લક્ષ્ય બનાવવાની તેની ક્ષમતા ચકાસી રહયા છીએ. આ રસી હાલની કેન્સરની રસીની તુલનામાં અનેક મહત્વપુર્ણ લાભ પ્રદાન કરે છે જે પહેલાના પરીક્ષણોમાં જ કેન્સર કોષિકાઓને નાશ કરવાનો સંકેત આપી ચૂકી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રોટોટાઇપ વેકિસન પ્રમુખ ટયુમર કોષિકાઓને લક્ષિત (લક્ષ્ય) કરે છે. જેનાથી સંભવિત દુષ્પ્રભાવોને ઓછો કરીને સારવારની પ્રભાવશીલતાને વધારી શકાય. સુરક્ષીત અને અસરકારક કેન્સરની વેકિસન શોધવાની દિશામાં અમારું કામ ભવિષ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે લાભદાયી પુરવાર થશે.

(4:27 pm IST)