Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જો BJPને પાયલટનો સાથ મળી જાય તો ૧-૨ નહીં પૂરી ૪૯ સીટનો સીધો ફાયદો!

પૂર્વ રાજસ્થાનની ૪૯ સીટો પર પાયલટનો સીધો પ્રભાવઃ સત્તાની સીડી બની શકે છે પાયલટ, આથી તાકમાં બેઠી ભાજપ

જયપુર, તા.૧૪: રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર અશોક ગેહલોત vs સચિન પાયલટની લડાઇમાં એકશન, ડ્રામા, ઇમોશન્સ, રોમાંચ, સસ્પેંસની રમત રમાય રહી છે. આમ તો કોંગ્રેસની અંદર લડાઇ છે પરંતુ ભાજપ તેના પર નજીકથી ધ્યાન રાખે છે. પાયલટ ભલે પોતાને ભાજપના સંપર્કમાં હોવાની અટકળોને નકારી ચૂકયા છે. બીજીબાજુ ભાજપ પણ આ રાજકીય ડ્રામામાં પોતાને કોઇપણ ભૂમિકાથી ઇન્કાર કરી રહ્યું છે. પરંતુ રાજકારણ જો આટલું જ સરળ હોય તો કોઇપણ તેનું ધુરંધર બની જાય. ભાજપ પાયલટને ખુશહાલભરી દ્રષ્ટિથી જોઇ રહ્યું છે અને તેનું કારણ છે તેનો જનાધાર. જો તેઓ ભાજપની સાથે આવશે તો કમ સે કમ ૪૯ સીટો પર ફાયદો અપાવી શકે છે.

સચિન પાયલટનો જ કરિશ્મા હતો કે તાજેતરના વર્ષોમાં રાજસ્થાનના રાજકારણમાં બે વિપરીત ધ્રુવ કહેનાર ગુર્જર અને મીણા સમુદાયનું અંતર કેટલીક હદ સુધી ઘટાડી દીધું. અતીતમાં અનામતના મુદ્દા પર થયેલા પરસ્પર હિંસક ઝડપમાં બંને સમુદાયના કેટલાંય લોકોના જીવ ગયા છે. ત્યારબાદ તેમાં કટુતા એ હદે વધી ગઇ કે બંને સાથે આવે તે અંગે કોઇ વિચાર સુદ્ઘા કરી શકે નહીં. પરંતુ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં પાયલટે તેને કરી દેખાડ્યું.

૨૦૦૪માં પહેલી વખત સાંસદ બનતાની સાથે જ પાયલટે ગુર્જર-મીણા એકતાની ભૂમિકા નિભાવી હતી. તાબડતોડ એકતા રેલીઓ કરી હતી. તેમની કોશિષોનું પરિણામ હતું કે એક સમયના એકબીજાના કટ્ટર વિરોધીઓ મનાતી બંને જાતિઓએ ૨૦૧૮માં કોંગ્રેસની એવી ઝોળી ભરી કે ભાજપને સત્ત્।ામાંથી હાથ ધોવો પડ્યો. ગેહલોતની વિરૂદ્ઘ આરપારની રાજકીય લડાઇમાં પાયલટની સાથે કમ સે કમ ૫ મીણા ધારાસભ્ય છે જે આ સમુદાયમાં તેમની સ્વીકાર્યતાનો હાજિયો પૂરે છે.

રાજસ્થાનના રાજકારણમાં ગુર્જર અને મીણાની ભૂમિકા અગત્યની છે. એક અંદાજ પ્રમાણે રાજયની વસતીમાં ૯ ટકાની આસપાસ ગુર્જર તો ૭ થી ૮ ટકા મીણા છે. જો બંનેને સાથે મળીને જુઓ તો પૂર્વ રાજસ્થાનની ૪૯ વિધાનસભા સીટો પર તેમનો દબદબો છે. બંનેને સાથે લાવવામાં સચિન પાયલટે કોઇ કસર છોડી નથી. તેઓ ખુદ ગુર્જર છે.

આખરે પાયલટ રાજયના રાજકારણમાં પરંપરાગત જાતિગત સમીકરણને ધ્વસ્ત કરી નવો ઇતિહાસ લખવામાં સફળ થયા. તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે પાછલી વિધાનસભા ચૂંટણીમાં ગુર્જર અને મીણાનો ગઢ કહેવાતા પૂર્વ રાજસ્થાનમાં ભાજપનું સૂરસૂરિયું થઇ ગયું. અહીંની ૪૯માંથી ૪૨ સીટો પર કોંગ્રેસનો પંજો પડ્યો. ભાજપને અહીં ધોબી પછડાટ એટલી ભારે પડી કે તેને સત્તામાંથી બહાર થવું પડ્યું. તેનું મુખ્ય કારણ ગુર્જર અને મીણા બંને મતદારોનો કોંગ્રેસને સાથ મળ્યો હતો જે થોડાંક વર્ષ પહેલાં સુધી અશકય લાગતું હતું.

આમ તો પાયલટની લોકપ્રિયતા માત્ર તેમના ગુર્જર સમુદાય કે મીણા સુધી જ સીમિત નથી. તમામ વર્ગ અને સુમદાયોમાં તેમની ઠીક-ઠાક પહોંચ છે. આ જ કારણ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર ચાલી રહેલ આ રાજકીય ડ્રામાની વચ્ચે ભાજપ તાકમાં બેઠી છે. ભલે ભાજપના નેતા હાલની રાજકીય ઉથલપાથલમાં પાર્ટીની કોઇ પણ ભૂમિકાનો ઇન્કાર કરી રહ્યા છે પરંતુ તેમને પણ પાયલટની અગત્યનાનો બખૂબી અંદાજો છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ ૨૨ સીટો છે. એવામાં ૪૯ સીટો પર રાહ સરળ થવી મોટી વાત હશે. આ ૪૯ સીટો ભાજપ માટે સત્તાની સીડી બની શકે છે.

એવો રિપોર્ટસ પણ આવ્યો હતો કે પાયલટને પોતાના ખેમામાં લેવા માટે ભાજપે તેમના નજીકના મિત્ર ગણાતા જયોતિરાદિત્ય સિંધિયાને મોર્ચા પર લગાવ્યા છે. સિંધિયા ૪ મહિના પહેલાં જ કોંગ્રેસનું દામન છોડી ભાજપની સાથે આવ્યા છે. એવો રિપોર્ટસ પણ આવ્યો કે દિલ્હીમાં સિંધિયા અને પાયલટની મુલાકાત પણ થઇ છે. જો કે બાદમાં પાયલટ કેમ્પે તેને અફવા ગણાવી દીધી. સિંધિયા જે રીતે ટ્વીટ કરીને જૂની પાર્ટીના સાથી પાયલટની સાથે પોતાની સહાનુભૂતિ દેખાડી તેના પોતાના પણ રાજકીય કારણો છે.

પાયલટ જો સાથે આવે તો ભાજપને પૂર્વી રાજસ્થાનની ૪૯ સીટો પર તો સીધો ફાયદો મળશે જે પાર્ટી બીજા વિસ્તારોમાં પણ તેમની લોકપ્રિયતાને આકર્ષશે. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીધી લડાઇ રહે છે અને સીધી લડાઇમાં ૧.૨ ટકા વોટો આમ તેમ થવા પણ ખૂબ મોટો ખેલ પાડી દે છે. અહીં તો પાયલટ દ્વારા પાર્ટી ૧૭-૧૮ વોટ બેન્કને સીધી સાંધી શકશે. આ જ કારણ છે કે ભાજપ સચિન પાયલટને પોતાના પલ્લામાં ખેંચવા કોઇપણ તકને ઝડપી લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

(4:14 pm IST)