Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

હોસ્પિટલમાં ટીનેજરે ગાયું ''અચ્છા ચલતા હૂં, દુઆઓં મેં યાદ રખના''

મૂળ આસામના ઋષભ દત્તા નામના ટીનેજરનો હોસ્પિટલમાં ગીત ગાતો વિડિયો અત્યારે જબરો વાઇરલ થયો છે. આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપોથોર ગામનો ઋષભ દત્તા ૨૦૧૯માં માત્ર ૧૭ વર્ષની ઉમરે જ તેનાં ગીતોના માધ્યમથી રાતોરાત ઇન્ટરનેટ પર સ્ટાર બની ગયો હતો. તેના મધુર અવાજમાં એક દર્દ હતું, જે સાંભળનારના દિલને સ્પર્થી જતું હતું. આ ગીતો દિલને ભીંજવી જતાં હતાં, કેમ કે તેના વિડિયો મોટા ભાગે હોસ્પિટલના બેડ પરથી ગવાયાં હતાં. વાત એમ છે કે બે વર્ષ પહેલાં ઋષભને અપ્લાસ્ટિક એનિમિયા નામની એક અસાધ્ય બીમારી થઈ હતી. શરૂઆતમાં વેલ્લોરના એક ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી હતી. પછીથી તેનો ઇલાજ બેન્ગલોરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો હતો. જોકે નવમી જુલાઈએ તે જિંદગીનો જંગ હારી ગયો હતો.

તેના મૃત્યુ બાદ એક દોસ્તે ઋષભનાં બે ગીતો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યાં અને એમાંય ''અચ્છા ચલતા હૂં, દુઆઓં મેં યાદ રખના...'' ગીત ભલભલાને લાગણીશીલ બનાવી દે એવું છે. જાણે પોતે બહુ નથી જીવવાનો એવું જાણી ગયેલો હોવાથી તેના અવાજમાં અનોખું દર્દ જણાય છે, પરંતુ તે જે તન્મયતાથી ગીતો ગાઈને હોસ્પિટલમાં સમય પસાર કરતો હતો એ ખૂબ પ્રેરણાદાયી છે.

(4:10 pm IST)