Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

વોડાફોન, આઈડિયા અને એરટેલને ઝટકો : TRAI એ પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવા કર્યો આદેશ

જો કોઈ ગ્રાહક વધારે પૈસા ચૂકવે, તો તેને અન્ય સામાન્ય યુઝર્સની સરખામણીએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે? : પૂછ્યો સવાલ

મુંબઈ: ટેલિકૉમ રેગ્યુલેટિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તરફથી દેશની દિગ્ગજ ટેલિકૉમ કંપની ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાના પ્રીમિયમ પોસ્ટપેડ પ્લાન પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. આ બન્ને કંપનીઓ એરટેલ પ્લેટિનમ અને વોડાફોન-આઈડિયા RedX પોસ્ટપેડ પ્લાન મારફતે કેટલાક પસંદગીના યુઝર્સને હાઈસ્પીડ ડેટા સાથે ઉત્તમ સુવિધા પૂરી પાડી રહી હતી. જેના કારણે TRAIએ આ પગલુ ભર્યું છે.

TRAIએ બન્ને ટેલિકૉમ કંપનીઓએ આ પોસ્ટપેડ પ્લાન બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ પત્ર લખીને એ પણ પૂછવામાં આવ્યું છે કે, જો કોઈ ગ્રાહક વધારે પૈસા ચૂકવે, તો તેને અન્ય સામાન્ય યુઝર્સની સરખામણીએ પ્રાથમિક્તા કેમ આપવામાં આવી રહી છે? આ સાથે જ અન્ય યુઝર્સને કેણ ઓછી સુવિધા આપવામાં આવી રહી છે?

એરટેલ અને વૉડાફોનના પ્રવક્તાએ ટ્રાઈના આદેશ બાદ જણાવ્યું કે, અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે. ટ્રાઈએ અમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.

એરટેલના પ્લેટિનમ પોસ્ટપેડ પ્લાનની પ્રાથમિક કિંમત 499 રૂપિયા છે. ગ્રાહકોને આ પ્લાનમાં 75 GB ડેટા રોલઓવરની સુવિધા સાથે મળશે. આ ઉપરાંત યુઝર્સ કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલ કરી શકે છે. આ સાથે જ કંપની યુઝર્સને એરટેલ એક્સટ્રીમ, Zee 5 અને એમેઝોન પ્રાઈમ પ્રિમિયમ એપનું સબ્સ્ક્રિપ્શન આપશે.

(1:46 pm IST)