Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અસલ અયોધ્યા ભારતમાં નહીં, પરંતુ નેપાળમાં છે : ભગવાન રામ પણ ભારતીય નહીં, પરંતુ નેપાળી : પીએમ ઓલીએ વિવાદ છેડ્યો

ભારતે પોતાના દેશમાં નકલી અયોધ્યા બનાવી : અમે ભારતીય રાજકુમારને સીતા નથી આપી, જે જનકપુરમાં જન્મી હતી

 

કાઠમંડુ: નેપાળના વડાપ્રધાન ઓલી પોતાની સત્તા હાથમાંથી સરકતી જોઈને સતત ભારત વિરોધી નીતિ અપનાવી રહ્યાં છે. પોતાના વિવાદિત નિર્ણયોથી ભારત વિરોધી બનેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ હવે એવો દાવો કર્યો છે, જે દેશના કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે.નેપાળ પીએમ  ઓલીએ જણાવ્યું કે, “અસલ અયોધ્યા ભારતમાં નહીં, પરંતુ નેપાળમાં છે. આ સિવાય ભગવાન રામ પણ ભારતીય નહીં, પરંતુ નેપાળી હોવાનો દાવો કર્યો છે.”

નેપાળી કવિ, અનુવાદક અને લેખક ભાનુભક્ત આચાર્યની જયંતી પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન PM ઓલીએ દાવો કર્યો કે, ભારતે પોતાના દેશમાં નકલી અયોધ્યા બનાવી દીધી છે. જ્યારે અસલ અયોધ્યા નેપાળના બીરગંજના પશ્ચિમમાં  આવેલ છે.

ઓલીના જણાવ્યા પ્રમાણે, “દશરથના પુત્ર રામ ભારતીય નહતા અને અસલ અયોધ્યા પણ નેપાળમાં છે. અમે ભારતીય રાજકુમારને સીતા નથી આપી, જે જનકપુરમાં જન્મી હતી. તેમણે અયોધ્યાના રામ સાથે લગ્ન કર્યા હતા, ના કે ભારતના રામ સાથે. નેપાળને કાયમ સાંસ્કૃતિક રૂપે દબાવવામાં આવ્યું છે.”

આમ પણ જોવા જઈએ તો, નેપાળ તરફથી આ પ્રકારનો અનોખો દાવો પ્રથમ વખત નથી કરવામાં આવ્યો. અગાઉ નેપાળે ભારતની સરહદમાં આવતા ત્રણ વિસ્તારો લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની વગેરેને પોતાના દેશનો જ ભાગ ગણાવ્યો હતો. આ માટે નેપાળે પોતાનો નવો રાજકીય નક્શો પણ મંજૂર કરાવી દેવામાં આવ્યો છે. જેમાં ભારતના આ ત્રણ ભાગને નેપાળે પોતાની સરહદમાં દર્શાવ્યા છે. જો કે ભારત તરફથી નેપાળના આ પગલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત નેપાળે ગત ગુરુવારે દૂરદર્શન સિવાયની તમામ ભારતીય ખાનગી ચેનલોના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી. નેપાળનો આરોપ હતો કે, આ ખાનગી ચેનલો દ્વારા નેપાળ સરકાર વિરૂદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

(12:13 pm IST)