Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજસ્થાન વિવાદનો આજે જ અંત ઈચ્છે છે કોંગ્રેસ હાઈકમાન્ડઃ CM બનવાના આગ્રહ પર સચિન પાયલોટ મક્કમ

કોંગ્રેસ પાર્ટીએ સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે

જયપુર, તા.૧૪: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સચીન પાયલટ મુખ્યમંત્રી બનવાના આગ્રહ પર પાયલોટ મક્કમ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઈ કમાન્ડ આ તમામ પ્રકારના રાજકીય ઘટનાનો આજે જ અંત લાવવા ઈચ્છે છે.

કોંગ્રેસ પાર્ટીએ સીએમ અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ પૂર્ણ કરવા માટે આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. કોંગ્રેસનાં એક સિનિયર નેતાએ જણાવ્યું કે પાયલટ હજુ પણ સીએમ પદની માંગ પરથી હટ્યા નથી, અને ગતિરોધ યથાવત રીતે ચાલુ છે. પક્ષને લાગી રહ્યું છે કે તેમની આ માંગણી અયોગ્ય છે, વરિષ્ઠ નેતાઓ તેમને મનાવવાના તમ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.

જેમાં નારાજ સચિન પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. આ પહેલા સોમવારે સીએમ અશોક ગેહલોતે શકિત પ્રદર્શન યોજયું. સીએમ ગેહલોતે તેમની સાથે કુલ ૧૦૯ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો.ધારાસભ્ય દળની બેઠકમાં આ કહેવામાં આવ્યું કે અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારનું સર્વસંમતિથી સમર્થન કરીએ છીએ.

સીએમ અશોક ગહેલોતના જૂથના ધારાસભ્યો ભલે સરકાર નહી તૂટે તેવો વિશ્વાસ દાખવતા હોય પરંતુ રાજસ્થાનમાં સચિન પાયલટને મનાવવા માટે મંથન ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં સરકાર બચાવવાની કવાયત વચ્ચે ગહેલોત સમર્થક ધારાસભ્યોની સંખ્યા એટલી જ છે કે જો એક બે ધારાસભ્યો અહીં-તહીં થયા તો રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સંકટમાં આવી જશે. તેથી કોંગ્રેસ પાર્ટી સચિન પાયલટને મનાવવાની સતત કોશિશ કરી રહ્યાં છે. પાયલટને રાજી કરવા માટે પાર્ટીના ટોચના પાંચ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કેસી વેણુંગોપલ, પી. ચિદંબરમ અને અહમદ પટેલે તેમની સાથે વાત કરી હતી.. પરંતુ આ વાત પર સચિન પાયલટે ઈનકાર કર્યો કે તેમની હાઈકમાન્ડ સાથે વાત થઈ નથી.

(11:05 am IST)