Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોના : અનેક દેશો ખોટી દિશામાં : સ્થિતિ વણસતી જાય છે

WHOની ચેતવણી : સંક્રમણ વધી રહ્યું છે ત્યાં નથી પગલા લેવાતા કે નથી નિયમોનું પાલન થતું : મહામારીને ગંભીરતાથી લેવાની જરૂર છે : નિયમોનું ચુસ્ત પાલન જરૂરી : સામાન્ય સ્થિતિ થતાં થોડો સમય લાગશે

નવી દિલ્હી તા. ૧૪ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કહ્યું છે કે જો નક્કર પગલા નહિ ભરાય તો કોરોના વાયરસની મહામારી વધુને વધુ ભયાનક બનતી જશે. WHOના વડા ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું છે કે, દુનિયાના અનેક દેશો કોરોનાને નિપટવાના મામલામાં ખોટી દિશામાં જઇ રહ્યા છે તેમણે કહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે તેનાથી સાબિત થાય છે કે જે સાવચેતી અને ઉપાયની વાત કહેવાય છે તેનું પાલન થતું નથી. તેમણે કહ્યું છે કે જો સરકારો નિર્ણાયક અને કડક કાર્યવાહી નહિ કરે તો કોરોના વાયરસ દુનિયામાં સ્થિતિ વધુ બદતર બનાવી દેશે.  તેમણે કહ્યું છે કે, અનેક દેશો ખોટી દિશામાં ચાલ્યા ગયા હતા. તેમણે કહ્યું છે કે સંક્રમણના કેસ જ્યાં વધી રહ્યા છે ત્યાં ન તો યોગ્ય પગલા લેવાયા છે અથવા તો ન તો નિયમોનું પાલન થયું છે. અત્યારે મહામારીનું મુખ્ય કેન્દ્ર અમેરિકા છે. અમેરિકાના ફલોરિડામાં ૧ દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં તેમણે ચિંતા વ્યકત કરી હતી. કોવિડ-૧૯ની સ્થિતિ વધુ ખાતરનાક થઇ રહી છે.

તેમણે કહ્યું હતું કે, હજુ થોડા સમય સુધી જનજીવન પહેલાની જેમ સામાન્ય થઇ નહિ શકે. નજીકના ભવિષ્યમાં પહેલાની જેમ બધુ સામાન્ય થાય તે મુશ્કેલ છે. યુરોપ અને એશિયાના અનેક દેશો ખોટી દિશામાં જઇ રહ્યા છે ત્યાં સ્થિતિ ભયાનક થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો આ મહામારીને ગંભીરતાથી નથી લેતા પણ તેમને ખબર નથી કે મહામારી કેટલી ખતરનાક છે. અમેરિકામાં દક્ષિણ - પશ્ચિમ વિસ્તારોમાં મૃતકોની સંખ્યા વધી રહી છે. હજુ ઘણી સાવધાની રાખવાની જરૂર છે, સામાજીક અંતર રાખવું જરૂરી છે. હાથ ધોવા, માસ્ક પહેરવું પણ જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે, જો પાયાની બાબતોનું ધ્યાન નહિ રખાય તો કોરોના અટકશે નહિ અને તે વધતો જ જશે.

(11:07 am IST)