Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

હવે ૨૦ લાખથી વધુના રોકડ ઉપાડમાં આપોઆપ બે ટકા TDS કપાઈ જશે

અત્યાર સુધી બેન્કો પોતે TDS કાપી જમા કરાવતી હતી હવે સીધી કપાત થશે

નવી દિલ્હી, તા.૧૪: સીબીડીટી દરેક બેન્કો તેમજ પોસ્ટ ઓફ્સિોને સોફ્ટવેર યુટિલિટી પૂરી પાડશે કે જેથી ૨૦ લાખ કરતા વધુની રકમનો રોકડ ઉપાડ થતાં જ ૨ ટકા ટીડીએસ આપમેળે કપાઈ જાય. અત્યાર સુધી બેન્કો પોતે TDS કાપી જમા કરાવતી હતી હવે સીધી કપાત થશે. છેલ્લા ત્રણ વર્ષથી રિટર્ન નહીં ભરનારને પકડવા માટે આ પગલું લેવાયું છે.  તા. ૧ જુલાઈ ૨૦૨૦થી બેન્કો અને પોસ્ટઓફિસનો યુટીલિટી ઉપલબ્ધ થઈ અને અત્યાર સુધીમાં ૫૩ જેટલાં કેસોમાં વેરિફિકેશન કરાયું છે.

ચાલુ વર્ષના બજેટમાં આવકવેરાની નવી ઉમેરાયેલી કલમ ૧૯૪-એન મુજબ ૧ કરોડ કરતાં વધુ રકમનો રોકડમાં ઉપાડ કરનાર કોઈ પણ કરદાતા માટે આખા વર્ષનો ટૂકડે ટૂકડે મળીને પણ જો ૧ કરોડથી ઉપાડ વધી જાય તો દરેક બેન્કો, કો. ઓપરેટિવ બેન્કો તેમજ પોસ્ટ ઓફ્સિો આવા રોકડના ઉપાડની ચુકવણી કરતી વખતે ૨ ટકા ટીડીએસ કાપી લેશે. છેલ્લા ૩ વર્ષના રિટર્ન નહીં ભરનાર કરદાતા જો ૨૦ લાખથી વધુનો રોકડ ઉપાડ કરશે તો ૨ ટકા ટીડીએસ કપાવાનું શરૂ થઈ જશે અને આવા કરદાતા જયારે ૧ કરોડથી વધારે ઉપાડ કરશે તો ૫ ટકા લેખે ટીડીએસ કપાશે.

હવે બેન્કો આ કાર્યવાહી બરોબર રીતે નિભાવે તે માટે એ પોતે જ એક યુટિલિટી તૈયાર કરી છે અને આ યુટિલિટીને બેન્કો અને પોસ્ટ ઓફ્સિની ઇન્ટરનલ કોર બેન્કિંગ સોલ્યુશન સાથે લિંક કરી દેવાઈ છે. આ યુટિલિટી અનુસાર દરેક બેન્કો અને પોસ્ટ ઓફ્સિોએ જયારે કોઈ વ્યકિત રોકડ ઉપાડ કરવા આવે ત્યાં તેનો પાન નંબર એન્ટર થતાં જ આ યુટિલિટી રોકડ ઉપાડ કરનાર કરદાતાએ જે રિટર્ન ફઈલ કરેલ હોય તેની ઓટોમેટિક ચકાસણી કરશે અને જો તેણે છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન નહીં ભરેલ હોય તો સિસ્ટમ જાતે જ તેનો ટીડીએસ ૨૦ લાખનો ઉપાડ થશે એટલે કાપવા માંડશે. જો કોઈ પાન નહીં ધરાવે તો ૨૦ ટકા ટીડીએસ કપાશે.

(10:02 am IST)