Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

અમરનાથ યાત્રા : ૭,૯૯૩ શ્રદ્ધાળુઓનો કાફલો રવાના

૧.૭૫ લાખ શ્રદ્ધાળુ દ્વારા બાબા બર્ફાનીના દર્શન : એક દિવસ યાત્રાને બંધ રાખવામાં આવ્યા બાદ ફરીવખત શરૂ : બે કાફલામાં કુલ ૩૧૦ વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના

જમ્મુ, તા. ૧૪ : એક દિવસ માટે અમરનાથ યાત્રાને બંધ રાખવામાં આવ્યા બાદ આજે ફરીવાર અમરનાથ યાત્રા શરૂ થઇ હતી. પહેલી જુલાઈના દિવસથી અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૧.૭૫ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી ચુક્યા છે. ગઇકાલે શનિવારના દિવસે અલગતાવાદીઓ દ્વારા બંધની હાંકલ કરવામાં આવ્યા બાદ એક દિવસ માટે સાવચેતીના પગલારુપે અમરનાથ યાત્રાને બંધ રાખવામાં આવી હતી. આજે ફરીવાર યાત્રા શરૂ થઇ હતી. હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીના મોતના દિવસે એટલે કે ૮મી જુલાઇના દિવસે પણ અમરનાથ યાત્રાને સાવચેતીરુપે બંધ રાખવામાં આવી હતી. બે દિવસ સુધી હજુ સુધી યાત્રા બંધ રાખવામાં આવી ચુકી છે. યાત્રા આજે ફરી શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડી બે બેઝ કેમ્પ માટે રવાના થઇ હતી જેમાં પ્રથમ ટુકડી બાલતાલ બેઝકેમ્પ માટે અને બીજી ટુકડી પહેલગામ બેઝકેમ્પ માટે રવાના થઇ હતી. શ્રદ્ધાળુઓની ૧૩મી ટુકડીમાં ૭૯૯૩ શ્રદ્ધાળુઓ હતા. ૩૧૦ વાહનોમાં શ્રદ્ધાળુઓની આ ટુકડી આજે વહેલી પરોઢે સઘન સુરક્ષા વ્યવસ્થામાં ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થઇ હતી અને મોડી સાંજે પહોંચી હતી. અધિકારીઓના કહેવા મુજબ આ શ્રદ્ધાળુઓની ટુકડી પૈકી ૫૭૦ શ્રદ્ધાળુઓ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૩૬ કિલોમીટરના પહેલગામ રુટ માટે રવાના થયા હતા જ્યારે ગંદરબાલ જિલ્લાના ૧૨ કિલોમીટરના બાલતાલ કેમ્પ માટે ૨૭૩ શ્રદ્ધાળુ રવાના થયા હતા. ૪૬ દિવસ સુધી ચાલનાર અમરનાથ યાત્રા માટે હજુ સુધી બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે જ્યારે ૧.૭૫ લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન પણ કરી ચુક્યા છે. અમરનાથ યાત્રાને સુરક્ષિત અને સાનુકુળરીતે પાર પાડવા માટે આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં સેનાના જવાનો પણ સામેલ છે. ૧૫મી ઓગસ્ટના દિવસે અમરનાથ યાત્રા પરિપૂર્ણ થનાર છે. ગયા વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન ૨.૮૫ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા હતા જ્યારે ૨૦૧૫માં આ આંકડો ૩.૫૨ લાખનો, ૨૦૧૬માં ૩.૨૦ લાખ અને ૨૦૧૭માં ૨.૬૦ લાખનો આંકડો રહ્યો હતો. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી જ અંદાજ લગાવી શકાય છે કે, આ વખતે યાત્રાની શરૂઆત પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તમામ સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ વખતે અમરનાથ યાત્રાને સાનુકુળરીતે પાર પાડવા ૪૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે.

શ્રદ્ધાળુઓની સંખ્યા....

શ્રીનગર, તા. ૧૪ : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. પહેલી જુલાઈના દિવસે ૪૬ દિવસની વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૧.૭૫ લાખ જેટલા શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. શ્રદ્ધાળુઓ કયા વર્ષે કેટલા રહ્યા હતા તે નીચે મુજબ છે.

વર્ષ..................................... દર્શન કરનાર શ્રદ્ધાળુ

૨૦૧૫................................................ ૩.૫૨ લાખ

૨૦૧૬................................................ ૩.૨૦ લાખ

૨૦૧૭................................................ ૨.૬૦ લાખ

૨૦૧૮................................................ ૨.૮૫ લાખ

૨૦૧૯................................................ ૧.૭૫ લાખ

નોંધ : પહેલી જુલાઈના દિવસે યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૧.૭૫ લાખ શ્રદ્ધાળુઓના દર્શન થયા છે. આંકડો હજુ ઝડપથી વધશે.

(7:51 pm IST)