Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

કાશ્મીરી પંડિતો માટે જુદી કોલોની બનાવવા યોજના

ભારતીય જનતા પાર્ટી જુના પ્લાન પર વધશે : કાશ્મીરી પંડિતોને ફરીવાર ત્યાં સ્થાપિત કરવાની યોજના

શ્રીનગર,તા. ૧૩ : ભારતીય જનતા પાર્ટી કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકોને ફરી ત્યાં જ વસાવવા માટેની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ પોતાના જુના પ્લાન મુજબ આગળ વધવા માટે ઇચ્છુક છે. જો આવુ થશે તો કાશ્મીર ખીણમાં સ્થિતી વણસી શકે છે. ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે તેમની પાર્ટી વિસ્થાપિત પંડિતોને ફરીવાર વસાવવાના મુદ્દા પર કામ કરી રહી છે. તેમની પાર્ટી કટિબદ્ધ હોવાની વાત પણ કરવામાં આવી છે. ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રભારી માધવે કહ્યુ છે કે કાશ્મીરમાં ૧૯૮૯માં ત્રાસવાદની શરૂઆત થયા બાદ ત્યાંથી વિસ્થાપિત થયેલા આશરે બેથી ત્રણ લાખ લાખ હિન્દુઓને ફરી ત્યાં વસાવવા માટે મદદ કરવા માટે પાર્ટી તૈયાર છે. રામ માધવે કહ્યુ હતુ કે કાશ્મીરી પંડિતો ખીણમાં પરત ફરશે તો તેમના મુળભુત અધિકારોની સુરક્ષા થશે. સાથે સાથે કાશ્મીરી પંડિતોને તેમની સુરક્ષાની ખાતરી કરવા માટે પણ પાર્ટી મક્કમ છે. માધવે કહ્યુ હતુ કે પ્રદેશની અગાઉની સરકારે કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની બનાવવા માટેના વિચાર પર ધ્યાન આપ્યુ હતુ. મિશ્રિત ટાઉનશીપ પણ બનાવી શકાય છે. તમામ પાસા પર વિચારણા ચાલી રહી છે. જેથી ટુંક સમયમાં કોઇ નક્કર નીતિ આ સંબંધમાં બની શકે છે. જ્યારે ગૃહ મંત્રાલય પાસેથી આ અંગે ટિપ્પણી માંગવામાં આવી ત્યારે કોઇ જવાબ મળી શક્યા નથી. ભાજપને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની આગામીચૂંટણીમાં પાર્ટીની ભવ્ય જીત થશે. જો ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવશે તો આ મુદ્દા પર ઉકેલ શુ આવી શકે છે તે અંગે નિર્ણય લેવાશે. ગયા મહિનામાં જ ઓલ ઇન્ડિયા હુરિયત કોન્ફરન્સ દ્વારા કેટલાક કાશ્મીરી પંડિતો સાથે વાતચીત કરવામાં આવી હતી. અલગ કોલોની અંગે સહમતિ થઇ ન હતી.

(12:00 am IST)