Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ત્રાસવાદીનો ખાત્મો કરવા સેના-સરકાર સંપૂર્ણ સક્ષમ

ધમકી બાદ મહેબુબા મુફ્તીને ભાજપનો જવાબ : પીડીપીમાં હાલ આંતરિક વિખવાદ છે : મહેબુબા મુફ્તીનું નિવેદન ખુબ જ કમનસીબ છે : રામ માધવના તીવ્ર પ્રહારો

નવીદિલ્હી, તા. ૧૪ : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના ખતરનાક પરિણામ વાળી ધમકી અને સલાઉદ્દીન જેવા અન્ય આતંકવાદી જન્મ લેશે તેવી ધમકી અંગે આક્ષેપો કરતા ભાજપે આજે તેની જોરદાર ઝાટકણી કાઢી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું  છે કે, સરકાર અને સેના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ભાજપે મહેબુબા મુફ્તીના નિવેદનને કમનસીબ તરીકે ગણાવીને કહ્યું છે કે, સરકાર અને સેના ખીણના તમામ આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ છે. મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર અને ભાજપ ઉપર પીડીપીમાં ભાગલા પાડવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જો પીડીપીમાં ભાગલા પડશે તો ૧૯૮૭ જેવી સ્થિતિ સર્જાશે. એ વખતે જે રીતે સલાઉદ્દીન અને યાસીન મલિક જેવા કુખ્યાત લીડરો સપાટી ઉપર આવ્યા હતા. તેવી જ રીતે સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે મહેબુબા મુફ્તીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તે ખુબ જ કમનસીબ છે. રામ માધવે કહ્યું હતું કે, દિલ્હીમાં કોઇપણ તેમની પાર્ટીને તોડવાના પ્રયાસમાં નથી. પોતાના આંતરિક વિવાદોના કારણે પીડીપીની મુશ્કેલી વધી રહી છે. પોતાના આંતરિક વિવાદોને ઉકેલવાના બદલે પીડીપી દ્વારા ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આતંકવાદના નામ ઉપર ધમકી આપવામાં આવી રહી છે. જ્યાં સુધી ભાજપની વાત છે. અમે કોઇ પાર્ટીને તોડવાના પ્રયાસ કરી રહ્યા નથી. રામ માધવે કહ્યું હતું કે, જ્યાં સુધી સલાઉદ્દીનના નામ ઉપર ધમકી આપવાની વાત છે તો કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો ખીણના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સમક્ષ છે. રામમાધવે કહ્યું હતું કે, એવા લોકોનો ખાત્મો કરવા માટે પણ કેન્દ્ર સરકાર સક્ષમ છે જે મહેબુબાના કારણે આતંકવાદના રસ્તા ઉપર જઇ રહ્યા છે. તે પહેલા મહેબુબા મુફ્તીએ વિવાદાસ્પદ નિવેદન કરીને ૧૯૮૭ના ઘટનાક્રમની અયાદ અપાવીને ચેતવણી આપી હતી. મહેબુબાએ કહ્યું હતું કે જો દિલ્હી ૧૯૮૭ની જેમ લોકોના મતાધિકારને ફગાવી દેશે અને કાશ્મીરના લોકોને વિભાજિત કરવાના પ્રયાસ કરશે તો ખતરનાક સ્થિતિ સર્જાશે. આ વખતે સ્થિતિ વધારે ગંભીર બની શકે છે.

થોડાક દિવસ પહેલા જ પીડીપીના નેતાઓએ દાવો કર્યો હતો કે, કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારીમાં છે. જાદીબલથી પીડીપીના નારાજ નેતા આબીદ અન્સારીએ દાવો કર્યો હતો કે, ૧૪ ધારાસભ્યો પાર્ટી છોડવા માટે તૈયાર છે. સિયા નેતા ઇમરાન અન્સારી અને અન્સારી પહેલાથી જ પીડીપી છોડવાની જાહેરાત કરી ચુક્યા છે. પીડીપીએ પોતાના અસંતુષ્ટ નેતાઓ સામે પહેલાથી જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે.

(7:48 pm IST)