Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઇંધણના ભાવમાં તેજીથી હવે એનડીએમાં પણ વિરોધના સુર ઉઠ્યા : જેડીયુએ કહ્યું સરકાર તાત્કાલિક રોક લગાવે : ટેક્સ ઘટાડવો જોઈએ

કેસી ત્યાગીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અમને ખટકે છે. અમને દુખ થઇ રહ્યું છે

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત થઇ રહેલા વધારાને લઇને વિપક્ષ તો સરકાર પર પ્રહાર કરી જ રહી છે, પરંતુ હવે તો એનડીએ ગઠબંધનમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે. ભાજપની સહયોગી પાર્ટી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ સોમવારે કહ્યું કે પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમત હવે ખટકી રહી છે અને ભારત સરકારે આ વૃદ્ધિ પર તાત્કાલિક રોક લગાવવી જોઇએ. પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સફાઇ આપતા રવિવારે કહ્યું હતું કે સરકારે રસીકરણ માટે 35,000 કરોડ અને મહામારી દરમિયાન સામાજિક કલ્યાણની યોજનાઓ માટે વધારાના ફંડની જરુર છે.

જો કે જેડીયુનું કહેવું છે કે કેન્દ્ર ને રાજ્ય સરકારોએ પેટ્રોલ ડીઝલ પરનો ટેક્સ તાત્કાલિક ઘટાડવો જોઇએ.હવે વિપક્ષની સાથે સાથે ભાજપની સહયોગી પાર્ટીઓએ પણ પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમત મુદ્દે સરકારનો વિરોધ કરવાનું શરુ કર્યુ છે. પેટ્રોલ ડીઝલની વધી રહેલી કિંમત પર સફાઇ આપતા ધર્મેન્દ્ર પ્રધેને કહ્યું હતું કે કોરોના મહામારીના આ સંકટમાં સરકારી સહાય અને યોજના માટે આ રીતે પૈસા બચાવી રહ્યા છીએ. જો કે જેડીયુ આ દલીલ સાથે સહમત નથી.

જેડીયુના મુખ્ય મહાસચિવ કેસી ત્યાગીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અમને ખટકે છે. અમને દુખ થઇ રહ્યું છે અને ભારત સરાકરે તાત્કાલિક આ વધારેને રોકવો જોઇએ. તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલની કિંમતો પર સરકારી નિયંત્રણ જરુરી છે. જેથી તેનું નિયંત્રણ બજારના હાથમાં ના હોય. રાજ્ય સરકારોએ પણ વેટ ઘટાડવો જોઇએ. પેટ્રોલિયમ પેદાશો પર રાજ્ય સરકાર અને કતેન્દ્ર સરકાર બંનેએ ટેક્સ ઘટાડવો જોઇએ.

(10:24 pm IST)