Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ચોમાસુ ૪૮ કલાકમાં દિલ્હીમાં દસ્તક દેશે

હરિયાણા અને પંજાબમાં પણ એન્ટ્રી કરશેઃ અનેક ભાગોમાં વરસાદ ચાલુ

નવી દિલ્હીઃ દેશના કેટલાક રાજયોમાં ચોમાસાએ દસ્તક કરી દીધી છે અને વરસાદનો રાઉન્ડ પણ શરૂ થઈ ગયા છે. ગરમીથી પરેશાન દિલ્હીમાં પણ પવન સાથે વરસાદ પડયો હતો. ૧૮મી જુન સુધી હળવાથી મધ્યમ વરસાદ જારી રહેશે.

હવામાન વિભાગે કહ્યું છે કે ૪૮ કલાકમાં દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ૧૩ વર્ષ બાદ દિલ્હીમાં ચોમાસુ આટલું વ્હેલું દસ્તક દેશે. મુંબઈથી બિહાર સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. ઉપરાંત ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડમાં પણ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે.

દિલ્હી એનસીઆર અને હરિયાણામાં ૪૮ કલાકમાં હળવાથી ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં ચોમાસુ ૧૫ જુન સુધી પહોંચી જશે.

દરમિયાન હરિયાણા અને પંજાબના અમુકભાગોમાં આજે અને કાલે ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડીસ્સા, છતિસગઢ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ- કાશ્મીર સહિતના રાજયોમાં ચોમાસાનું આગમન થઈ ચુકયું છે. આગામી ૪૮ કલાકમાં ચોમાસુ હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં પહોંચી જશે.

(4:55 pm IST)