Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઇસુદાન ગઢવી 'આપ'માં વાજતેગાજતે જોડાયાઃ ગુજરાતના 'કેજરીવાલ' હોવાનું બિરૂદ મળ્યું

પત્રકાર ગઢવીએ રાજકીય કારકિર્દીના કર્યા શ્રીગણેશ : કેરિયરની ટોચ પર બેઠા હો ત્યારે કારકિર્દીને લાત મારી દેવી એ મોટો ત્યાગ છે : ઇસુદાન ગઢવી

(કેતન ખત્રી - ગૌરવ ખત્રી દ્વારા) અમદાવાદ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ખૂબ જ જાણીતા પત્રકાર - એન્કર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઇસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલે આપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

આમ આદમી પાર્ટીએ તે બાદ પત્રકાર પરિષદ યોજી હતી. ઇસુદાન ગઢવીએ કહ્યુ હતું કે, છેલ્લા ૧૫-૧૬ વર્ષથી મારી પત્રકારીન કારકિર્દીમાં મે ક્યારેય વિચાર્યુ નહતું કે એક દિવસ રાજકીય સ્ટેજ પર હોઇશ. મારી કોઇ નેતા બનવાની મહેચ્છા ન હતી. વર્ષોથી એક પત્રકાર તરીકે દિલથી લોકોની સેવા જ કરી છે.

કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતમા ત્રીજા પક્ષની જરૂર હતી અને મને આશા છે કે ઈસુદાન ગઢવી જે જાણીતા મીડિયા ગ્રુપના પત્રકાર હતા તે કરિયર છોડી રાજકારણમાં આવ્યાં છે અને તેમણે રાજ્યમાં બદલાવ લાવવાનું સપનું જોયું છે તેમાં સફળ થાય. ગુજરાતનો દરેક વ્યકિત ઇસુદાન સાથે રિલેકટ કરે છે. લોકોને લાગે છે કે તે અમારો અવાજ ઉઠાવી રહ્યા છે. ૨૭ વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે. તમારે જેટલો અવાજ ઉઠાવવો છે ઉઠાવો ચૂંટણીનું પરિણામ નક્કી છે. ઇસુદાને નિર્ણય કર્યો કે કિચડની અંદર ઉતરીને કિચડને સાફ કરવો પડશે. આ મોટો ત્યાગ છે. કરિયરના પિક ઉપર જ્યારે કોઇ માણસ બેઠો હોય અને પોતાની કરિયરને લાત મારી દે તો હું સમજુ છુ કે તેમણે ઘણો મોટો ત્યાગ આપ્યો છે. હું સમજુ છુ કે જે આમ ગુજરાતી આજે વિકલ્પહીન થઇ ગયો હતો, ગુજરાતની રાજનીતિમાં વિકલ્પ જ નથી બચ્યો આ બન્ને એક જ છે, તેમણે સાર્થક વિકલ્પ મળ્યો છે. દિલ્હીમાં ૨૪ કલાક વિજળી મફત મળે છે તો ગુજરાતમાં વિજળી આટલી મોંઘી કેમ. હવે ગુજરાત બદલાશે.

અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ૨૦૨૨ના શ્રી ગણેશ કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખશે. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. થોડા સમય પહેલા ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યુ હતું પરંતુ સરકારે ચેમ્બર્સને દબાણ કરીને મારો કાર્યક્રમ રદ કરાવ્યો હતો.

અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

(3:21 pm IST)