Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

નસીબના ખેલ...

૧૪ વર્ષ પહેલા અનિલ અંબાણી દેશના ત્રીજા ધનવાન હતા : આજે તેમની નેટવર્થ શૂન્‍ય અને બની ચૂક્‍યા છે દેવાદાર

મુંબઇ તા. ૧૪ : ધીરૂભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણી એક જમાનામાં દેશના ત્રીજા સૌથી અમીર વ્‍યક્‍તિ હતા. ૨૦૦૭માં ફોર્બ્‍સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અનિલની નેટવર્થ ત્રણ ગણી વધીને ૪૫ બિલિયન ડોલર પહોંચી હતી. તેઓ તે સમયે દેશના ત્રીજા સૌથી અમીર નાગરિક બની ગયા હતા. પછી સમયમાં તેઓ માત ખાતા ગયા અને ભાઈ મુકેશથી પણ પાછળ ચાલ્‍યા ગયા. તેમની નેટવર્થ હાલમાં શૂન્‍ય છે.

આ મહિને ૬૨ વર્ષના થયેલા અનિલ ૨૦૦૮માં ૪૨ અરબ ડોલરની સાથે વિશ્વના હિલિનેયર ક્‍લબનો ભાગ બન્‍યા હતા. પરંતુ સપ્‍ટેમ્‍બર ૨૦૧૯ આવતા તેમની પર ૧૨.૪૦ અરબ ડોલરનું દેવું થયું. આ સમયે યૂકેની એક કોર્ટમાં તેમની તરફથી કહેવાયું કે તેમની નેટવર્થ શૂન્‍ય છે. તેમના ભાઈ સતત સફળતા મેળવી રહ્યા છે. ૨૦૧૮માં મુકેશ અંબાણીની નેટવર્થ ૪૩ અરબ ડોલર હી જે આ સમયે ૮૨ અરબ ડોલર સુધી પહોંચી છે.

અનિલ અંબાણી છેલ્લા લાંબા સમયથી દેવામાં ડૂબેલા છે પરંતુ થોડા મહિના પહેલા તેઓએ તેને ઘટાડવા માટે અનેક પગલા લીધા છે.  રિલાયન્‍સ ઈન્‍ફ્રાની અનેક સંપત્તિઓ વેચાઈ ગઈ છે. આ સમયે અનેક લોન ચૂકવવામાં પણ ડિફોલ્‍ટ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી એસબીઆઈએ એક કેસમાં અનિલ અંબાણીને રાહત આપી છે. તેનાથી શેર બજારમાં લિસ્‍ટેડ અનિલ અંબાણીની કંપનીના શેરમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્‍યો છે.

હાલમાં અનિલ અંબાણી સમૂહની ૬ કંપનીઓ શેરબજારમાં લિસ્‍ટેડ છે. આ દરેક કંપનીના શેરમાં ૫ ટકાનો વધારો જોવા મળવાની સાથે અપર સર્કિટ પણ લાગી છે. આ પછી કેટલીક કંપનીના શેર નબળા થઈ ગયા હતા.

રિલાયન્‍સ નેવલનો શેર ૨.૮૦ ટકાથી વધીને ૪.૮૧ રૂપિયા પર આવ્‍યો હતો. માર્કેટ કેપ ૩૫૪ કરોડ રૂપિયા રહી છે. આ સિવાય રિલાયન્‍સ પાવરનો શેર ભાવ ૧૨.૭૪ રૂપિયા રહ્યો છે તો માર્કેટ કેપ ૩૫૭૩ કરોડ રૂપિયાની આસપાસ રહી છે.

(11:43 am IST)