Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

અવકાશયાત્રામાં બેજોસની બાજુની સીટમાં બેસવા માટે હરાજીમાં 205 કરોડ ચૂકવાયા

ચાર મિનિટમાં બે કરોડ ડોલરની બોલી : સાત મિનિટમાં બિડિંગ બંધ : ઓનલાઈન હરાજી માટે એક મહિનામાં ૧૫૯ દેશમાંથી ૭,૫૦૦થી વધુ લોકોએ બિડિંગ કર્યું: હવે ચોથી અને અંતિમ સીટ માટે થશે હરરાજી

નવી દિલ્હી : અમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને અબજપતિ જેફ બેઝોસ અને તેમના ભાઈ આગામી મહિને અવકાશ યાત્રા પર જવાના છે. જેફ બેઝોસ જે અવકાશયાનમાં રવાના થશે, તેમાં તેમની બાજુની સીટમાં બેસવા માટે લાઈવ ઓનલાઈન હરાજી બોલાઈ હતી. આ સીટ માટે એક વ્યક્તિએ ૨૮ મિલિયન ડોલર (અંદાજે ૨૦૫ કરોડ રૂપિયા) સાથે બોલી જીતી લીધી હતી. બેઝોસની કંપની બ્લુ ઓરિજિને વિજેતાનું નામ જાહેર કર્યું નથી. બેઝોસ નિલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીનના ચંદ્ર પર પહોંચવાની બાવનમી એનીવર્સરીના દિવસે ૨૦મી જુલાઈએ અવકાશયાત્રા પર જશે.

 જેફ બેઝોસ સાથે અવકાશ પ્રવાસ માટે  લાઈવ ઓનલાઈન હરાજી ખુલ્યાની ચાર મિનિટમાં જ લોકોએ ૨૦ મિલિયન ડોલરથી વધુની બોલી લગાવી હતી. હરાજી શરૂ થયાની સાત મિનિટ પછી બિડિંગ બંધ કરી દેવાયું હતું. સૂત્રો મુજબ અવકાશના ક્ષેત્રમાં મહત્વાકાંક્ષી કોઈ ધનિક વ્યક્તિ આ બોલી જીતી ગઈ છે.

બ્લુ ઓરિજિનના અવકાશયાન ન્યૂ શેફર્ડ રોકેટનુ ૨૦મી જુલાઈએ સમાનવ પ્રથમ ઉડ્ડયન છે. આ સાથે કંપનીનો અવકાશ પ્રવાસન બિઝનેસ પણ શરૂ થશે. અગાઉ ૨૦૧૫થી અત્યાર સુધીમાં રીયુઝેબલ રોકેટ અને કેપ્સુલની ૧૫ ટેસ્ટ ફ્લાઈટ થઈ હતી, જે સફળ રહી હતી. પશ્ચિમ ટેક્સાસ માટે આ ઐતિહાસિક ક્ષણ હશે. આ અવકાશ પ્રવાસથી ખાનગી કમર્શિયલ અવકાશ ક્ષેત્રને પણ આગળ વધવાની તક મળશે. અત્યાર સુધીમાં અવકાશ સાથે સંકળાયેલા મિશન પર માત્ર સરકારી એજન્સીઓ જ કામ કરતી હતી.

બ્લુ ઓરિજિનના જણાવ્યા મુજબ શનિવારની ઓનલાઈન હરાજી પહેલાં લગભગ એક મહિનાથી વધુ સમય માટે ઓનલાઈન બિડિંગ મંગાવાયા હતા, જેમાં ૧૫૯ દેશોના ૭૫૦૦ થી વધુ લોકોએ બિડિંગ કર્યું હતું અને બીડિંગની રકમ ૪૮ લાખ ડોલર સુધી પહોંચી હતી. શનિવારની હરાજીમાં ૨૦થી વધુ બીડર્સે બોલી લગાવી હતી. જેફ બેઝોસે સોમવારે તે અને તેમના નાના ભાઈ માર્ક ન્યૂ શેફર્ડની સૌપ્રથમ ક્રુ ફ્લાઈટના પ્રવાસી હશે તેવી જાહેરાત કરી હતી. આ સમાચાર સાથે જ બિડિંગમાં ઊછાળો આવ્યો હતો.

સંપૂર્ણપણે ઓટોમેટેડ કેપ્સ્યુલ છ પ્રવાસીઓને લઈને અવકાશમાં જશે. પ્રત્યેક પ્રવાસીને તેની બાજુની મોટી વિશાળ બારીમાંથી અવકાશનું અદ્ભૂત દૃશ્ય જોવાનો લ્હાવો મળશે. બ્લુ ઓરિજિનના ટોચના સેલ્સ ડિરેક્ટર એરીન કોર્નેલે જણાવ્યું હતું કે, ન્યૂ શેફર્ડની પ્રથમ ફ્લાઈટમાં ચોથી અને અંતિમ સીટ માટે ટૂંક સમયમાં હરાજીની જાહેરાત કરાશે.

 બ્લુ ઓરિજિનના સંસ્થાપક અને અમેઝોનના સીઈઓ જેફ બેઝોસ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. બેઝોસ આજીવન અવકાશ પ્રવાસ અંગે ખૂબ જ ઉત્સાહિત રહ્યા છે. અવકાશ માટે અમર્યાદિત મહત્વાકાંક્ષા ધરાવનારા અબજોપતિ એરોનેટ રિચર્ડ બ્રેસ્નન અને એલન મસ્ક સામેની રેસમાં બેઝોસ સૌપ્રથમ છે, જેમને વ્યાવસાયિક ઉડ્ડયન હેઠળ અવકાશમાં જવાની તક મળી રહી છે.

(11:22 am IST)