Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોનાકાળમાં ડાયરેકટ ટેક્ષની આવક થઇ બમણી

મુંબઇમાં ૮૦ ટકા, દિલ્હીમાં ૬૭ ટકા, ચેન્નઇમાં ૧૨૦ ટકા અને પૂણેમાં ૧૫૦ ટકાનો વધારો

નવી દિલ્હી,તા. ૧૪ : કોરોનાની બીજી લહેરથી અર્થવ્યવસ્થાને અસર થવા છતા ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કરસંગ્રહ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ બમણો થયો છે. એડવાન્સ ટેક્ષ પેમેન્ટનો પહેલો હપ્તો જમા થતા પહેલા જ કરસંગ્રહમાં જોરદાર વધારો નોંધાયો છે. આનાથી ઉલ્ટુ આર્થિક ગતિવિધિઓને અસર થવાથી ગયા મહિને જીએસટી કર સંગ્રહ ઓછો રહ્યો હતો.

આ વર્ષે ૧૧ જૂન સુધીમાં રિફંડ પછી ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ ૧.૬૨ લાખ કરોડ થયો જે ગયા વર્ષની સમાન અવધિના ૦.૮૭ લાખ કરોડ રૂપિયા કરતા ૮૫ ટકા વધારે છે. દિલચશ્પ વાત એ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ની સમાન અવધિની સરખામણીમાં પણ આ વર્ષે કર સંગ્રહ ૩૩ ટકા વધારે રહ્યો ૨૦૧૯-૨૦માં સમાન અવધિ દરમ્યાન ૧.૨૨ લાખ કરોડ રૂપિયા કર સંગ્રહ થયો છે. પ્રત્યક્ષ કર સંગ્રહમાં આવક વેરો અને નિયમીત કર બન્ને સામેલ હોય છે.

કર સંગ્રહમાં વધારો કર અધિકારીઓ માટે પણ રાહતના સમાચાર છે. જો કે કેટલાક લોકો માને છે કે વિવાદ સમાધાન યોજના વિવાદ સે વિશ્વાસ, ઓછા કર રિફંડને કારણે આમ થયું છે. તો બીજી તરફ કેટલાય લોકોનું કહેવુ છે કે અનુપાલન અને પ્રવર્તનમાં સુધારાથી કર સંગ્રહ વધ્યો છે.

મુંબઇમાં કર સંગ્રહ ૮૦ ટકા વધીને ગયા વર્ષના ૨૭,૦૦૦ કરોડની સરખામણીમાં ૪૮,૦૦૦ કરોડ થયો. તો દિલ્હીમાં ૬૭ ટકા વધીને ૧૨,૦૦૦ કરોડની સામે ૨૦,૦૦૦ કરોડ થયો છે. આવી જ રીતે ચેન્નઇમાં પ્રત્યક્ષ કર ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં ૧૨૦ ટકા અને પૂણેમાં ૧૫૦ ટકા થયો છે.

(9:56 am IST)