Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ભાજપામાં રહેવુ હોય તો બલિદાન આપવું પડશે

ફકત સત્તાની મોજ માણનાર ભાજપામાં નહીં રહી શકેઃ દિલીપ ઘોષ

કોલકત્તા, તા. ૧૪ :. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાની હાર પછી ટીએમસી છોડીને ભાજપામાં આવેલા કેટલાય નેતાઓ ફરીથી ટીએમસીમાં જવાની તૈયારીમાં છે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષે રવિવારે કહ્યું કે જે લોકો કોઈ પણ પ્રકારના ત્યાગ કર્યા વગર સત્તાની મોજ માણવા ઈચ્છે છે તેમને જવા માટે કહેવામાં આવશે.

તો મેઘાલયના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ભાજપાના સીનીયર નેતા તથાગત રોયે કેટલાક ટ્વીટ કરીને હાલમાં જ ભાજપામાંથી તૃણમૂલ કોંગ્રેસમાં પાછા જનાર મુકુલ રોયને ટ્રોઝન હોર્સ (લાકડાનો ઘોડો) ગણાવ્યા તથા મુકુલ રોયના નજીકના હોવા માટે ભાજપા મહાસચિવ કૈલાસ વિજય વર્ગીય પર કટાક્ષો કર્યા.

ઘોષે શુક્રવારે કહ્યું હતું કે પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયના જવાથી બહુ ફરક નહીં પડે. તેમણે ટ્વીટર પર લખ્યુ કે કેટલાક લોકોને પક્ષ બદલવાની આદત હોય છે. તેમણે બંગાળી ભાષામાં ટ્વીટ કર્યુ, 'જો કોઈને ભાજપામાં રહેવું હોય તો તેમણે બલિદાન આપવું પડશે. જેઓ ફકત સત્તાની મોજ માણવા ઈચ્છે છે તેઓ ભાજપામાં નહીં રહી શકે. અમે તેમને નહીં રાખીએ.

પક્ષના સૂત્રો અનુસાર બંગાળ ભાજપા એકમમાં ઉથલપાથલ ચાલી રહી છે કેમ કે પક્ષમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલુ જ છે. માનવામાં આવે છે કે પક્ષના સીનીયર નેતાઓને ચૂંટણી દરમ્યાન સાઈડમાં કરી દઈને પછી પક્ષના હેડ કવાર્ટરના આદેશ પર ટીએમસીમાંથી નેતાઓ લઈ આવવાથી નારાજ હતા અને તેમનું માનવુ છે કે બંગાળની ચૂંટણીઓને યોગ્ય રીતે ન સંભાળવાની જવાબદારી ફકત પક્ષપલ્ટુઓ પર જ નહીં પણ રાજ્યના રાજકારણને સમજી ના શકનાર ભાજપા નેતાગીરી પર પણ છે.

(9:56 am IST)