Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

નીટ પરીક્ષામાં દખલ કરવા સુપ્રીમ દ્વારા ઇનકાર કરાયો

ચાર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાં જવા મંજુરી : પરીક્ષાને લઇને શ્રેણીબદ્ધ પ્રશ્નો ઉઠાવાતા મામલો કોર્ટમાં

નવી દિલ્હી, તા. ૧૪ : સુપ્રીમ કોર્ટે આજે નીટ (યુજી)-૨૦૧૯ પરીક્ષામાં કેટલાક ચાવીરુપ પ્રશ્નોના જવાબને રદ કરવાની માંગ કરતી અરજી ઉપર સુનાવણી કરવાનો આજે ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષાના મામલામાં દરમિયાનગીરી કરવા આજે સાફ ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નિષ્ણાતોની સંસ્થા આ બાબતોને ધ્યાનમાં લેતી હોય છે અને સુધારવામાં આવેલા જવાબો જારી કરવામાં આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે જો કે, હૈદરાબાદ સ્થિત ચાર વિદ્યાર્થીઓને રાહત માટે હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટે જવાની મંજુરી આપી દીધી હતી. આ વિદ્યાર્થીઓએ ચાવીરુપ પ્રશ્નોના જવાબને પડકાર ફેંકીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, કોર્ટ દરેક અને પ્રત્યેક વિષયના નિષ્ણાત નથી. હવે એવો સમય આવ્યો છે જ્યારે આ મામલામાં દરમિયાનગીરી રોકાવવી જોઇએ. જસ્ટિસ અજય રસ્તોગી અને સૂર્યકાંતની બનેલી વેકેશન બેંચે ચાર મેડિકલના દાવેદારોને તેમની અરજી પાછી ખેંચી લેવા મંજુરી આપી હતી. સાથે સાથે તેમની ફરિયાદને લઇને હાઈકોર્ટમાં જવા પણ સ્વતંત્રતા આપી હતી. સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ વિદ્યાર્થીઓ તરફથી ઉપસ્થિત થઇને કહ્યું હતું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ખોટા જવાબની ચાવી આપવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પાંચમી મેના દિવસે પરીક્ષા લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ચાર-ચાર માર્ક ધરાવતા પાંચ પ્રશ્નો પૈકી એકથી વધુ સાચા જવાબો ધરાવતા હતા. ઉપરાંત કેટલાક મામલામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા આન્સરકીથી અલગ પણ રહેલા હતા. તમામ મલ્ટીપલ ચોઇસના જવાબોની ચકાસણી કોર્ટ દ્વારા કરવામાં આવી નથી. દરમિયાનગીરીના મામલામાં સુપ્રીમ કોર્ટે સાફ ઇન્કાર કરી દીધો છે.

(7:45 pm IST)