Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થાય છે :યુએન અહેવાલ

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલને ભારતે ફગાવી દીધો :સંયુક્ત રાષ્ટ્રનો હેવાલ સંપૂર્ણપણે ખોટો તેમજ ખાસ ઇરાદા સાથે તૈયાર કરવામાં આવ્યો છે :ભારતની સ્પષ્ટ પ્રતિક્રિયા

નવીદિલ્હી,તા. ૧૪ :ભારતે કાશ્મીરના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, માનવ અધિકારોના ભંગ કાશ્મીરમાં થઇ રહ્યા છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલને અયોગ્ય અને ખોટા ઇરાદા સાથે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે.

એક કઠોર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રનો આ અહેવાલ ખુબ જ પૂર્વગ્રહથી ગ્રસ્ત છે. ખોટા વલણ આમા દર્શાવવામાં આવ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર કાશ્મીર ભારતના એક અખંડ હિસ્સા તરીકે છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ અહેવાલ ભારતની ક્ષેત્રિય અખંડતા અને ભારતની એકતાના ધારધોરણનો ભંગ કરે છે. આજે જારી કરવામાં આવેલા અહેવાલમાં સંયુક્ત રાષ્ટ્ર જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં માનવ અધિકારના ભંગની વાતનો ઉલ્લેખ કર્યો હતો. યુએનએ આ માનવ અધિકાર ભંગના મામલામાં આંતરરાષ્ટ્રીય તપાસની માંગ પણ કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા અહેવાલને રદિયો આપતા જણાવવામાં આવ્યું છે કે, આ અહેવાલ સપાટી ઉપર લાવવાની પાછળ કેટલાક જટિલ પ્રશ્નો રહેલા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ અહેવાલ ચોક્કસ ઇરાદા સાથે પ્રેરિત છે અને પસંદગીના સંકલન ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર દુનિયાને ભારત ફરી એકવાર યાદ અપાવવા માંગે છે કે, સમગ્ર જમ્મુ કાશ્મીર ભારતનો એક અખંડ ભાગ છે. પાકિસ્તાને ભારતના એક હિસ્સા પર બળજબરીપૂર્વક કબજો કરેલો છે. સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલ બાદ આને લઇને રાજકીય રમત પણ શરૂ થાય તેવી શકયતા છે. જો કે, વિદેશ મંત્રાલય તરફથી પહેલા જ અહેવાલને ફગાવી દેવાતા વિવાદ થવાની શક્યતા હાલમાં ઓછી દેખાઈ રહી છે.

(7:34 pm IST)