Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

છત્તીસગઢને આઈઆઈટી સહિત ૨૨,૦૦૦ કરોડની મોદીની ભેંટ

શ્રેણીબદ્ધ યોજનાઓની મોદી દ્વારા આધારશીલા મુકવામાં આવી :તમામ સમસ્યાઓનો ઉકેલ વિકાસ :ભિલાઇ સ્ટીલ પ્લાન્ટમાં જઇને જરૂરી માહિતી મેળવી :એસી ટ્રેનમાં યાત્રાના બદલે વિમાનમાં યાત્રા થવા લાગી છે

ભિલાઈ, તા. ૧૨ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના ભિલાઈમાં આઈઆઈટી સહિત ૨૨૦૦૦ કરોડની વિકાસ યોજનાઓની આધારશીલા મુકી હતી. આ ગાળા દરમિયાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, દરેક પ્રકારની હિંસાનો જવાબ વિકાસ રહેલો છે. નક્સલવાદીઓને પણ આ જનસભા મારફતે મોદીએ સીધો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દરેક પ્રકારની હિંસા અને કાવતરાનો એક જ જવાબ વિકાસનો રહેલો છે. મોદીએ આ ગાળા દરમિયાન ડિજિટલ ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. મોદીએ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટમાં જઇને પરિસ્થિતિને નિહાળી હતી. આ ગાળા દરમિયાન તેઓએ નક્સલી હિંસાનો જવાબ વિકાસથી આપવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રેકોર્ડ સંખ્યામાં યુવાનો વિકાસ સાથે જોડાયા છે. દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યા છે. કોઇપણ પ્રકારની હિંસાનો ઉકેલ વિકાસ સાથે સંબંધિત છે. વિકાસથી વિકસિત થનાર આત્મવિશ્વાસ તમામ બાબતોનો નિકાલ કરશે. એનડીએ સરકાર અને છત્તીસગઢમાં રમણસિંહના નેતૃત્વમાં ભાજપ સરકાર આત્મવિશ્વાસ જગાવવાના પ્રયાસમાં છે. જનસભા દરમિયાન મોદીએ કહ્યું હતું કે, ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટનું વિસ્તરણ થયું છે. જગદલપુર એરપોર્ટ અને નવા રાયપુર કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ થયું છે. ભિલાઈમાં આઈઆઈટી કેમ્પસના નિર્માણ અને રાજ્યમાં ભારત નેટ ફેઝ-૨નું કામ શરૂ થયું છે. ૨૨૦૦૦ કરોડથી વધુની યોજનાઓની ભેંટ છત્તીસગઢને મળી છે. મોદીએ ભિલાઈમાં ૧૧૦૦ કરોડના ખર્ચથી આઈઆઈટી કેમ્પસની આધારશીલા મુકી હતી. તેમણે દાવા સાથે કહ્યું હતું કે, ગઇ વખતે જ્યારે તેઓ બાબા સાહેબની જ્યંતિ ઉપર આવ્યો હતો ત્યારે ભારત નેટ ફેઝ૧ની શરૂઆત થઇ હતી હવે બેની શરૂઆત થઇ રહી છે. હજુ સુધી ૪૦૦૦ પંચાયતોને ઇન્ટરનેટ માધ્યમથી જોડવામાં આવી છે. બાકીની છ હજાર પંચાયતોને આગામી વર્ષ સુધી ઇન્ટરનેટ પહોંચી જશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટીલ પ્લાન્ટ લાગવાથી છત્તીસગઢમાં વિકાસ થશે. ટેકનોલોજી સાથે લોકોને જેટલી જોડવામાં આવે તેટલો ફાયદો થશે. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. છત્તીસગઢ સરકારઆ દિશામાં સક્રિય બનેલી છે. વડાપ્રધાને આ ગાળા દરમિયાન કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અગાઉની સરકારો માર્ગો બનાવવામાં પાછળ હતી જ્યારે આજે નવા વિમાની મથકોનું નિર્માણ થઇ રહ્યું છે. જગદલપુરમાં એક શાનદાર વિમાની મથક બની ગયું છે. જગદલપુરથી રાયપુર માટેની ફ્લાઇટો શરૂ થઇ ચુકી છે. જગદલપુરથી રાયપુરની યાત્રા હવે છ સાત કલાકના બદલે માત્ર ૪૦ મિનિટની થઇ ગઇ છે. ટ્રેનમાં એસીમાં બેસીને યાત્રા કરતા લોકો હવે વિમાનમાં યાત્રા કરવાનું પસંદ કરી રહ્યા છે. રાયપુરમાં એક દિવસમાં ૫૦થી વધુ ફ્લાઇટો પહોંચી રહી છે. રોજગારીની નવી તકો ઉભી થઇ રહી છે. નવા રાયપુરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, નવું રાયપુર શહેર દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે છે. ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેનાથી ફાયદો થશે.

(7:33 pm IST)
  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST