Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફુટયો મોંઘવારીનો બોંબ : ૧ વર્ષમાં બમણી વૃધ્ધિ

પેટ્રોલ - ડીઝલ અને શાકભાજીના ભાવોમાં ભડકો : ૧૪ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો જથ્થાબંધ મોંઘવારીનો આંક : મે મહિનાનો દર ૪.૪૪ ટકા જાહેર : એપ્રિલમાં હતો ૩.૧૮ ટકા અને ગયા વર્ષે હતો મે માસનો દર ૨.૨૬ ટકા

નવી દિલ્હી તા. ૧૪ : પેટ્રોલ અને ડિઝલ તેમજ શાકભાજીના ભાવ વધવાથી મે મહિનામાં જથ્થાબંધ મૂલ્ય આધારિત મોંઘવારી વધીને ૧૪ મહિનાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી છે. સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ મે માં જથ્થાબંધ મોંઘવારી દર ૪.૪૩ ટકા પહોંચી ગયો છે તે પહેલા એપ્રિલમાં તે ૩.૧૮ ટકા રહ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં તે ૨.૨૬ ટકા પર હતો.

જથ્થાબંધ મોંઘવારી દર પહેલા આવેલા આંકડા મુજબ ઉપભોકતા મૂલ્ય સૂચકાંક આધાર મોંઘવારી મે માં ૪.૮૭ ટકા પર પહોંચી છે. એપ્રિલ મહિનામાં તે ૪.૫૮ ટકા રહ્યો હતો. છુટક મોંઘવારી દર વધવા માટે શાકભાજી અને દાળોના ભાવમાં વધારાને કારણ ગણાવાયું છે.

મે મહિનામાં ખાણી-પીણીની જથ્થાબંધ મોંઘવારી દર પણ વધ્યો છે. મહિને દર મહિનાના આધાર પર મે માં ખાદ્ય જથ્થાબંધ મોંઘવારી દર ૦.૬૭ ટકાથી વધીને ૧.૧૨ ટકા રહ્યો.

બીજી બાજુ, મેન્યુફેકચર્ડ પ્રોડકટ્સના જથ્થાબંધ મોંઘવારીની વાત કરીએ તો દર મહિનાના આધાર પર તેમાં પણ વધારો થયો છે તે ૩.૧૧ ટકાથી વધીને ૩.૭૩ ટકા સુધી પહોંચ્યો છે.

પ્રાઇમરી આર્ટીકલ્સની જથ્થાબંધ મોંઘવારી જોઇએ તો ગયા મહિને ભારે

વધારો જોવા મળ્યો છે. તે ૧.૪૧ ટકાથી વધીને ૩.૧૬ ટકા રહી છે. બીજી બાજુ વીજળી અને ઇંધણની જથ્થાબંધ મોંઘવારી મહીને દર મહીને આધાર પર ૭.૮૫ ટકાથી વધીને ૧૧.૨૨ ટકા થયો છે.

ઇંડા, માંસ અને માછલીની જથ્થાબંધ મોંઘવારી દર પણ -૦.૨ ટકાથી વધીને ૦.૧૫ ટકા પહોંચ્યો છે. બીજી બાજુ દાળની વાત કરીએ તો દર મહીનાના આધાર પર મે માં જથ્થાબંધ મોંઘવારી -૨૨.૪૬ ટકાથી વધીને -૨૧.૧૩ ટકા રહ્યો છે.

શાકભાજી અંગે જોઇએ તો મહીને દર મહીના આધારે શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી દર -૦.૮૯ ટકાથી વધીને ૨.૫૧ ટકા પહોંચ્યો છે.

બીજી બાજુ બટેટાનો જથ્થાબંધ, મોંઘવારી ૬૭.૯૪ ટકાથી વધીને ૮૧.૯૩ ટકા પહોંચ્યો છે. આ દરમિયાન મહીને દર મહિનાના આધાર પર મે માં ડુંગળીનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૩.૬૨ ટકાથી ઘટીને ૧૩.૨૦ ટકા પર આવી ગયો છે.

વધુમાં આંકડા મુજબ મેમાં ફયુલ અને પાવર બોસ્કેટની મોંઘવારી તેજીથી વધીને ૧૧.૨૨ ટકા થયો છે. એપ્રિલમાં તે ૭.૮૫ ટકા હતો. ફયુલ અને પાવરની મોંઘવારી વધવાનું મહત્વનું કારણ ગ્લોબલ ક્રુડ ઓઇલ દરોમાં વધારાના કારણે ઘરેલુ બજારમાં તેલની કિંમતો વધશે.

આ મહિનાની શરૂઆતમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે બીજી નાણાકીય સમીક્ષામાં રીઝર્વ બેંકો રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો. આરબીઆઇએ ચાર વર્ષમાં પ્રથમવાર વ્યાજદરો વધાર્યા. રીઝર્વ બેંકે વ્યાજદરોમાં વધારાના કારણે મોંઘવારીમાં વધારાની ચિંતા વ્યકત કરી.

(3:08 pm IST)