Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટમાં ટુંક સમયમાં જ મોટા ફેરફારો

સામાજિક સમીકરણને ધ્યાનમાં લઇને તૈયારી : હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હાર બાદ નવી રણનિતી

લખનૌ,તા. ૧૪: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આગામી મહિનામાં પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ભાજપે નવા સામાજિક સમીકરણને ધ્યાનમાં લઇને આ તૈયારી શરૂ કરી છે. નવી રણનિતીને અપનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંડળમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે કેટલાક હાલમાં નિષ્ક્રિય રહેલા દિગ્ગજોની ખુરશી જઇ શકે છે. અથવા તો તેમને ઓછા મહત્વવાળા ખાતામાં મોકલી શકાય છે. ચર્ચા એવી પણ છે કે ભાજપ પ્રમુખ અમિત શાહના લખનૌ પ્રવાસ બાદ પ્રદેશ સરકાર કેબિનેટમાં મોટા ફેરફાર કરનાર છે. અમિત શાહ ઉત્તરપ્રદેશમાં ચાર અથવા તો પાંચ જુલાઇના દિવસે લખનૌ પહોંચી રહ્યા છે. રાત્રી પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો અને પસંદગીના લોકોને મળનાર છે. તમામની સાથે તેમની મેરાથોન બેઠક થનાર છે. તે પહેલા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ૧૭મી જુનના દિવસે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો લોકસભા ચૂંટણીની તૈયારીની સાથે સાથે પાર્ટી અને સરકારમાં ફેરફારના મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવનાર છે. સંગઠન પ્રધાન સુનિલ બંસલ આ બેઠકમાં યુપી સાથે સંબંધિત રીપોર્ટ કાર્ડ રજૂ કરનાર છે. જેના આધાર પર ફેરફાર કરવામાં આવનાર છે. ગોરખપુર, ફુલપુર તેમજ કૈરાના અને નુરપુરમાં ભાજપની કારમી હાર થયા બાદ લોકસભા ચૂંટણીની વધારે આક્રમક તૈયારી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. કેટલાક પ્રધાનોના બદલી નાંખવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. યોગી કેબિનેટમાં કોઇ ગુર્જર નેતાને પણ તક મળી શકે છે.

(12:30 pm IST)