Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફેડ રેટ ઇફેક્ટ : સેંસેક્સમાં શરૂમાં થયેલો મોટો ઘટાડો

સેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઘટી જતા નિરાશા ફેલાઇ : અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા હજુ પણ વ્યાજદર વધારાશે

મુંબઇ,તા. ૧૪ : શેરબજારમાં આજે સવારે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. યુએસ  ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર જોવા મળી હતી.કારોબારની શરૂઆત થયા બાદ સેંસેક્સ ૧૯૮ પોઇન્ટ ઘટીને ખુલતા નિરાશા રહી હતી. સેંસેક્સ ઘટીને ૩૫૫૪૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૮ની નીચી સપાટી પર રહ્યો હતો. યુએસ ફેડ દ્વારા વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા હાલમાં જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટ ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો  હતો.વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ફુગાવો એપ્રિલ મહિનામાં વધીને ૩.૧૮ ટકા હતો જે માર્ચ મહિનામાં ૨.૪૭ ટકા હતો. બેંક ઓફ જાપાન દ્વારા શુક્રવારના દિવસે તેના પરિણામ જાહેર કરવામાં આવશે.  ગયા સપ્તાહમાં પોલીસી સમીક્ષા જારી કરવામાં આવી હતી. જેમાં વ્યાજદરમાં અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદ એટલે કે સાડા ચાર વર્ષના ગાળામાં રિઝર્વ બેંક દ્વારા પ્રથમ વખત રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રિવર્સ રેપોરેટ હવે વધારી દેવામાં આવ્યો હતો. જો કે, કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) અને એસએલઆરને ક્રમશઃ ૪ અને ૧૯.૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરાયો હતો.આ નાણાંકીય વર્ષની આ બીજી એમપીસીની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા હતી.જાન્યુઆરી ૨૦૧૪માં આરબીઆઈએ છેલ્લી વખતે રેપોરેટમાં વધારો કર્યો હતો અને તે વખતે રેટ આઠ ટકા હતો ત્યારબાદથી રેટને ઘટાડવામાં આવી રહ્યો હતો. બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૪૭ પોઇન્ટ ઉછળીને ૩૫૭૩૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.

(12:29 pm IST)