Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મણિપુર - મિઝોરમમાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ

સ્કૂલ - કોલેજોમાં જાહેર કરાઇ રજા

નવી દિલ્હી તા. ૧૪ : પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને ભારે વરસાદે ચોતરફ તારાજી સર્જી છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયું છે અને પૂરના કારણે સ્થિતિ વણસી ગઈ છે. પૂરના કારણે સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો મિઝોરમમાં પણ સ્થિતિ ખરાબ છે.

સમગ્ર રાજયમાં કામકાજ ઠપ થઈ ગયું છે. ખેતરો અને માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકોના પાક પણ ધોવાઈ ગયા છે. મિઝોરમની રાજધાની આઈજોલને જોડતો માર્ગ ધોવાઈ ગયો છે. તો લેંગપુઈ એરપોર્ટ તરફ જતો રાષ્ટ્રીય માર્ગ ૫૪ પણ ભેખડ ધસવાના કારણે બંધ થઈ ગયો છે.

સરકારી કાર્યાલયોની પણ ખરાબ સ્થિતિ છે. તો કેટલાક સ્થળોએ વીજળીના તાર તૂટી પડતાં વીજ પુરવઠો ખોરવાયો છે. ત્યારે બન્ને રાજયમાં NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 ભારે વરસાદ બાદ પૂર આવતા લુંગલેઈ જિલ્લામાં ફસાયેલા ૧૫૦થી વધુ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગે મિઝોરમ માટે એલર્ટ જાહેર કર્યું છે કે ૧૬ જૂન સુધી ભારે વરસાદ થઈ શકે છે.(૨૧.૧૩)

(11:40 am IST)