Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સેમસંગે ટીવીના ભાવમાં ૨૦% સુધી ઘટાડો કર્યો

ભારતના ૨૨,૦૦૦ કરોડનું મૂલ્ય ધરાવતા ટીવી માર્કેટમાં મુખ્યત્વે સેમસંગ, સોની અને એલજી વચ્ચે સ્પર્ધા : હવે માર્કેટમાં શાઓમી, પીસીએલ, થોમ્સન, શાર્પ, બીપીએલ અને સ્કાયવર્થ જેવી નવી સ્પર્ધકો પણ આવી

કોલકાતા તા. ૧૪ : ટેલિવિઝન માર્કેટની નં ૧ કંપની સેમસંગે પહેલીવાર ટીવીના ભાવમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો કર્યો છે. શાઓમી સહિતની ચાઇનીઝ બ્રાન્ડ્સને કારણે ગભરાયેલી સેમસંગે મોટી સ્ક્રીન સાઇઝના એન્ટ્રી-લેવલનાં મોડલ્સના ભાવમાં મહત્ત્।મ ઘટાડો કર્યો છે. સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઓએ દક્ષિણ કોરિયાની સેમસંગને પછાડી દીધી છે અને હવે ટીવી માર્કેટમાં પણ ચાઇનીઝ બ્રાન્ડ્સનું વેચાણ વધી રહ્યું છે.

ચાર સિનિયર ટ્રેડ પાર્ટનર્સના જણાવ્યા પ્રમાણે, સેમસંગે ભાવ ઘટાડ્યા બાદ શાઓમી, Vu અને TCL જેવી ચાઇનીઝ કંપનીઓના ભાવ સામેનું પ્રીમિયમ ૧૦૦ ટકાથી ઘટીને ૫૦-૬૦ ટકા થઈ ગયું છે. આ ભાવ ઘટાડીને સેમસંગ તેનો બજારહિસ્સો સલામત રાખી શકશે તેમજ નવા ગ્રાહકો પણ ખેંચી શકશે.

એક અગ્રણી ડ્યુરેબલ રિટેલ ચેઇનના ડિરેકટરે જણાવ્યું હતું કે, 'કંપનીઓ નવાં મોડલ્સ આવે ત્યારે જૂનાં મોડલ્સના ભાવમાં નિયમિતપણે પાંચ ટકા જેટલો ઘટાડો કરતી હોય છે પરંતુ સેમસંગે ૧૦-૨૦ ટકા સુધી ભાવ ઘટાડ્યો છે, જે તેની પ્રાઇસિંગ સ્ટ્રેટેજીમાં કરેલા વ્યાપક ફેરફારને દર્શાવે છે. તેનાં નવાં મોડલ્સના ભાવ પણ નીચા છે.'

મુંબઈ સ્થિત રિટેલ ચેઇન કોહિનૂરના ડિરેકટર વિશાલ મેવાણીએ કહ્યું હતું કે, જે ગ્રાહકો વાજબી બ્રાન્ડ્સ તરફ ખેંચાઈ રહ્યા છે તેમને આકર્ષીને બજારહિસ્સો કબજે કરવા માટે સેમસંગે ટીવી માટે ખૂબ જ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી છે.

ભારતના ૨૨,૦૦૦ કરોડનું મૂલ્ય ધરાવતા ટીવી માર્કેટમાં મુખ્યત્વે સેમસંગ, સોની અને LG વચ્ચે સ્પર્ધા છે અને હવે આ માર્કેટમાં શાઓમી, TCL, થોમ્સન, શાર્પ, BPL અને સ્કાયવર્થ જેવી નવી સ્પર્ધકો પણ આવી છે.

શાઓમીએ ફેબ્રુઆરીમાં ભારતમાં ટીવીનું વેચાણ શરૂ કર્યું હતું અને ખળભળાટ મચાવી દીધો હતો કારણ કે તેનું ૪૩ ઈંચનું મોડલ રૂ. ૨૨,૯૯૯માં, ૫૫ ઈંચનું રૂ. ૪૪,૯૯૯માં મળે છે. આની સામે સેમસંગે તેના ૫૫ ઈંચના ટીવીનો ભાવ રૂ. ૧,૦૦,૦૦૦થી ઘટાડીને રૂ. ૭૦,૦૦૦ જયારે ૪૩ ઈંચના ટીવીનો ભાવ રૂ. ૩૯,૯૦૦થી ઘટાડીને રૂ. ૩૩,૫૦૦ કર્યો છે.(૨૧.૮)

(10:15 am IST)