Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલની ‘નાયક’વાળીઃ ટ્રેનોના મોડી પડવાના કારણો અંગે પત્રકારે રજૂઆત કરતા એક દિવસ માટે રેલવે મંત્રી બનવા ઓફર કરી

નવી દિલ્હીઃ રેલવે મંત્રી પીયૂષ ગોયલે એક પત્રકારને એક દિવસ માટે રેલવે મંત્રી બનવાની ઑફર આપી દેશભરના મીડિયાને ચોંકાવી દીધું. તેમના આ નિર્ણયથી બધાને નાયકફિલ્મનો તે સીન યાદ આવી રહ્યો છે જેમાં અમરીશ પુરી પત્રકાર બનેલા અનિલ કપૂરને એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઑફર આપે છે.

 મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગોયલ રેલવે મિનિસ્ટ્રીની સિદ્ધિઓ વિશે જણાવી રહ્યાં હતા. આ દરમિયાન એક મીડિયાકર્મીએ રેલવે વિભાગ સાથે સંબંધિત સમસ્યાઓ અંગેના સૂચનોની એક ચિઠ્ઠી રેલવે મંત્રીને સોંપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મીડિયાકર્મીએ જ્યારે રેલવે મંત્રીને તે લેટર આપ્યો ત્યારે તેને વાંચીને ગોયલ હસવા લાગ્યા. ત્યારબાદ તેમણે એવું કર્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. તેમણે પત્રકારને એક દિવસ માટે રેલવે મંત્રી બનવાની ઑફર આપી દીધી.

પીયૂષ ગોયલે ફિલ્મ નાયકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘નાયક ફિલ્મની જેમ એક દિવસ માટે તમે મારી જગ્યા લો અને જાતે નિયમ-કાયદાને લાગૂ કરાવો.

રેલવે મંત્રીની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકોને લાગ્યું કે, તેઓ આ વાત મજાકમાં કહી રહ્યાં છે પણ તેઓ પોતાની વાત અંગે સીરિયસ હતા. તેમણે ત્યાં હાજર રેલવે બોર્ડના ચેરમેનને આ પ્રકારની એક મૉક ઈવેન્ટ આયોજિત કરવા માટે પણ કહ્યું. જોકે તેમણે સાથે એમ પણ કહ્યું કે, ‘જેથી બધાનું મનોરંજન થઈ શકે.ત્યારબાદ તેમણે કહ્યું કે, તે આ સૂચનો પર જરૂરથી ધ્યાન આપશે.

જાણકારી અનુસાર, છેલ્લા બે મહિનાથી લેટ ચાલી રહેલી ટ્રેનોને કારણે રેલવેને ટિકાનો શિકાર બનવું પડી રહ્યું છે. કેટલીક ટ્રેનો તો ઘણા કલાકો મોડી પડી હોવાનો રેકોર્ડ બનાવી ચૂકી છે જેના કારણે રેલવેને લોકોના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે રેલવે મંત્રીએ કહ્યું કે, જો આગળ પણ આવું જ થતું રહેશે તો અધિકારીઓના પ્રમોશન રોકી દેવાશે. જોકે, રેલવે વિભાગે ટ્રેનો લેટ થતી હોવા પાછળ મેન્ટેનન્સ કામગિરીનું કારણ આપ્યું.

(12:00 am IST)