Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આરબીઆઇ પાસે પુરતી સત્તા ન હોવાના કારણે પબ્લીક સેક્ટર બેંક ઉપર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નથી, અને તેના લીધે તમામ બ્રાંચો ઉપર નજર રાખવી શક્ય નથીઃ ઉર્જિત પટેલનો ધડાકો

નવી દિલ્હીઃ બેંકિંગ ક્ષેત્રમાં જુદા-જુદા કૌભાંડો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદીય સ્‍થાયી સમિતિ સમક્ષ હાજર થયા હતાં અને તેમણે આરબીઆઇ પાસે જરૂરી સત્તા ન હોવાનો ધડાકો કર્યો હતો.

વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સમિતીને તેમને તમામા તમામ મદ્દાઓના લેખિત જવાબ આપ્યા છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉર્જિત પટેલે કહ્યું છે કે આરબીઆઇ પાસે પુરતી સત્તા નથી જેના કારણે પબ્લિક સેક્ટર બેંક પર આરબીઆઇનું સંપૂર્ણ નિયંત્રણ નથી. આ સંજોગોમાં આરબીઆઇ માટે એ બેંકોની તમામ બ્રાન્ચો પર નજર રાખવાનું શક્ય નથી. 

સમિતિએ ઉર્જિત પટેલને ફસાયેલી લોન, બેંક ફ્રોડ અને કેશની સમસ્યા સાથે જોડાયેલા અનેક સવાલ કર્યા. ઉર્જિત પટેલે પોતાનો જવાબમાં સિસ્ટમને મજબૂત કરવાનો ભરોસો આપ્યો. સમિતિએ ઉર્જિત મોદીને એનપીએ વિશે સવાલ કરીને સણસણતો સવાલ કર્યો કે નીરવ મોદી કઈ રીતે રિઝર્વ બેંકની નજરમાંથી છટકી ગયો,

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂ.નો ગોટાળો કરવાનો આરોપ છે. આ સિવાય  બેંકોમાં ફસાયેલી લોનની રકમ પણ વધી રહી છે. આસિવાય હાલમાં અનેક રાજ્યોમાં કેશની તંગીને કારણે એટીએમમાં પૈસા ખાલી થઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોત. સમિતિએ આ તમામ મામલે ઉર્જિત પટેલને આકરા સવાલો કર્યા હતા અને એના જવાબમાં ઉર્જિત પટેલે એનો બહુ જલ્દી અંત આવી જશે એવી બાંહેધરી આપી છે. 

(12:00 am IST)