Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રશિયાની તવાઈ : ફિનલેન્ડને મળતી વીજળી કરી દીધી બંધ : NATOમાં જોડાવાની વાત કરતાં આકરું પરિણામ

રશિયન સરકારની કંપની RAO ફિનલેન્ડમાં વીજળી નિકાસ કરે છે: આ કંપનીએ વીજળીની નિકાસ અટકાવી દીધી

નવી દિલ્હી :  રશિયાના પડોશી દેશ ફિનલેન્ડે નાટોમાં જોડાવાની તૈયારી દાખવી હતી. કોઈ પડોશી દેશ નાટોમાં જોડાય એ રશિયાને પસંદ નથી. માટે રશિયાએ ફિનલેન્ડની સીધી રીતે કંઈ કહ્યા વગર આડકતરી રીતે ભીંસમાં મુક્યુ છે. રશિયન સરકારની કંપની RAO ફિનલેન્ડમાં વીજળી નિકાસ કરે છે. આ કંપનીએ વીજળીની નિકાસ અટકાવી દીધી છે. કંપનીએ જોકે તેના માટે સત્તાવાર કારણ એવું આપ્યું છે કે બિલ બાકી છે એટલે વીજળી અટકાવી દીધી છે. એ કારણ જોકે ગળે ઉતરે એવું નથી. કેમ કે રશિયા ફિનલેન્ડ પર દબાણ ઉભું કરવા માંગે છે

  રશિયાની કંપની ફિનલેન્ડની જરૃરિયાતની 10 ટકા જેટલી વીજળી પુરી પાડે છે. અત્યારે જોકે ફિનલેન્ડ પાસે બેક-અપ વ્યવસ્થા છે. એટલે ફિનલેન્ડમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ નથી. પરંતુ રશિયાએ પોતાનું આકરુ વલણ છતું કરી દીધું છે.

  નાટો એ રશિયા વિરોધી લશ્કરી સંગઠન છે. એ સંગઠનમાં જે દેશ જોડાય તેને લશ્કરી રક્ષણ મળે છે. નાટોની મુખ્ય શરત એ છે કે સભ્ય દેશ પૈકી કોઈ એક દેશ પર પણ હુમલો થાય તો બધા દેશો પર હુમલો ગણી લેવામાં આવે. માટે રશિયાને નાટોમાં કોઈ પડોશી દેશ જોડાય એ પસંદ નથી. યુક્રેને પણ નાટોમાં જોડાવાની ઉતાવળ કરી એટલે જ રશિયાએ આક્રમણ કરી દીધું

(8:05 pm IST)