Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કોંગ્રેસમાં 'એક પરિવાર એક ટિકિટ ' મામલે ફેરફાર: જો અન્ય સભ્યએ 5 વર્ષ પાર્ટી માટે કામ કર્યું હોય તો મળી શકશે ટિકિટ

એક પરિવારમાંથી એક ટિકિટ પર લગભગ સહમતિ પરંતુ આ સાથે એક ‘ઓફર’ પણ ઉમેરાતા ઉઠ્યા સવાલ

નવી દિલ્હી : કોંગ્રેસમાં હવે એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે એટલે કે ‘એક પરિવાર એક ટિકિટ’. આ ઉપરાંત એક પોસ્ટ પર 5 વર્ષની મર્યાદા અને યુવાનોને અડધો હિસ્સો જેવા ફેરફારો કરવાનો ઠરાવ કરીને કોંગ્રેસને નવપલ્લવિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ દરમિયાન ભાજપે કટાક્ષ કરવાની એક પણ તક ગુમાવી નહીં અને પૂછ્યું કે શું આ નિયમો ગાંધી પરિવારને લાગુ પડશે?

કોંગ્રેસના નેતા અજય માકને પાર્ટીમાં મોટા ફેરફારનો સંકેત આપતા જાહેરાત કરી હતી કે એક પરિવારમાંથી એક ટિકિટ પર લગભગ સહમતિ છે. પરંતુ આ સાથે તેમણે એક ‘ઓફર’ પણ ઉમેરી કે જો પરિવારના અન્ય સભ્યએ પણ 5 વર્ષ પાર્ટી માટે કામ કર્યું હોય તો તેને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.

અજય માકનની આ જાહેરાત સાથે જ ‘એક પરિવાર એક ટિકિટ’ના ઈરાદા પર સવાલો ઉભા થયા છે. કારણ કે પ્રિયંકા ગાંધી વાડ્રા વર્ષ 2019માં પાર્ટીના મહાસચિવ બન્યા હતા અને તેમના કહેવા પ્રમાણે, વર્ષ 2024માં કોંગ્રેસ માટે તેમના કામના 5 વર્ષ પૂરા થશે. તો શું આ 5 વર્ષની મર્યાદા કે છૂટછાટ માત્ર ગાંધી પરિવારના કારણે જ નક્કી કરવામાં આવી છે? આ અંગે કોંગ્રેસ પ્રવક્તા રાગિણી નાયક કહે છે, “હું ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે… હું ઈચ્છું છું કે પ્રિયંકા ગાંધી લોકસભામાં જાય… તેમણે ઉત્તર પ્રદેશમાંથી બહાર આવીને મોટી ભૂમિકામાં આવવું જોઈએ.

(11:11 pm IST)