Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દેશના અનેક શહેરોમાં કોહરામ મચાવી શકે છે વાવાઝોડુ 'તૌકટે'

લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડશે : હવામાન ખાતુ

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાત અંગે ચેતવણી જારી કરી કરતાં જણાવાયુ છે કે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં હળવુ દબાણ થઈ રચાઇ રહ્યું છે, જેના કારણે ચક્રવાતી તોફાન ઉદ્દભવશે.

આ વર્ષનું પહેલું વાવાઝોડુ આગામી રવિવાર સુધીમાં પશ્ચિમ કાંઠા પર ત્રાટકશે અને તેની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં થશે. આ તોફાનનું નામ 'તૌકટે' છે, તેનું નામ પડોશી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ છે - એક અવાજથી અવાજ કરનાર ગરોળી.

વાવાઝોડાના લીધે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની સંભાવના છે. તે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ૧૪ થી ૧૬ મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અહેવાલ મુજબ આ વાવાઝોડ, ૨૦ મેના  કચ્છમાંથી પસાર થઈને દક્ષિણ પાકિસ્તાન જશે તેવી સંભાવના છે. જો આવું થાય, તો તે ૧૭ કે ૧૮ મે સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચી જશે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન, લક્ષદ્વીપ, માલદીવ્સમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વિભાગ દ્વારા એક ચેતવણી જારી કરવામાં આવી છે કે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડાંનો સામનો કરવો પડી શકે છે.

કાશ્મીરમાં વરસાદ, જ્યારે જમ્મુ વિભાગના ઘણા વિસ્તારોમાં વરસાદ અનેક સ્થળોએ વાદળછાયું રહેવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશમાં એક કે બે સ્થળોએ બરફવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. આજે પણ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં ભારે વરસાદની ચેતવણી તેમજ પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શકયતા છે.

(3:38 pm IST)