Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આજે એકવાર ફરી વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ

પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩૪ પૈસાનો વધારો

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોરોનાનાં કારણે લોકોનાં જીવન  ધોરણ પર ખરાબ અસર થઇ રહી છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. આજે એકવાર ફરી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં વધારો કર્યો છે.

તેલ કંપનીઓએ શુક્રવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર ૩૪ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ વધીને ૯૨.૩૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે અને ડીઝલ ૮૩ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. વળી દેશનાં અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાથી આગળ વધી રહી છે. ગયા સપ્તાહનાં મંગળવારથી ઓઇલ કંપનીઓએ સતત ઘણા દિવસો સુધી કિંમતોમાં વધારો કર્યો છે. ગુરૂવારે તેમા બ્રેક લાગી હતી અને તેલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નોંધપાત્ર વાત એ છે કે પાંચ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ઓઇલ કંપનીઓએ ૨૭ ફેબ્રુઆરી પછી લગભગ બે મહિના સુધી ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી, ગયા અઠવાડિયે તેણે વધારાની શરૂઆત કરી. આ પછી છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલ ૧.૯૭ રૂપિયા પ્રતિ લિટર સુધી મોંઘુ થઈ ગયું છે. એ જ રીતે સાત દિવસમાં ડીઝલ ૨.૨૨ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.

શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૯૨.૩૪ રૂપિયા અને ડીઝલ ૮૨.૯૫ રૂપિયામાં વેચાઇ રહ્યું છે. એ જ રીતે, મુંબઇમાં પેટ્રોલ ૯૮.૬૫ રૂપિયા અને ડીઝલ ૯૦.૧૧ રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ ૯૪.૦૯ અને ડીઝલ ૮૭.૮૧ રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ ૯૨.૪૪ અને ડીઝલ ૮૫.૭૯ રૂપિયા છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનાં ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જોકે ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઓઇલ હોય છે તોનો દર આશરે ૨૫ દિવસ જૂનો હોય છે. બ્રેન્ટ ક્રૂડ ૬૬.૭૪ ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. ક્રેડિટ સુઈસની એક રિપોર્ટમાં તે દાવો કર્યો છે કે ઓઇલ કંપનીઓએ જો માર્જિનને સુધરવાનો એટલે કે પોતાના નુકસાનને દૂર કરવાનો પ્રયાસ કર્યો તો પેટ્રોલનાં ભાવમાં લિટર દીઠ ૫.૫ રૂપિયા અને ડીઝલનાં ભાવમાં ૩ રૂપિયા જેટલો વધારો થઇ શકે છે.

(11:27 am IST)