Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

સુપ્રીમ કોર્ટની સુનાવણીનું હવે લાઈવ પ્રસારણ થવાના સંકેત : મીડિયાકર્મીઓ માટે એપ લોંચ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ ટેલિકાસ્ટ કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની સુનાવણીનું હવે લાઈવ પ્રસારણ થવા જઈ રહ્યું છે. ચીફ જસ્ટિસ રમને આ વાતનો સંકેત આપ્યો હતો. આ પ્રસંગે તેમણે મીડિયા રિપોર્ટર તરીકેના પોતાના કાર્યકાળને પણ યાદ કર્યો હતો.દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમને કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ ટેલિકાસ્ટ કરવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. જસ્ટિસ રમને જોકે એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ નક્કર પગલું ભરતા પહેલા સર્વોચ્ચ અદાલતમાં તેના તમામ સાથીદારો સાથે આ અંગે વિચારણા કરવા માગે છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણની દિશામાં ન્યાયમૂર્તિ રમને મીડિયાકર્મીઓને વર્ચુઅલ રીતે કોર્ટ સુનાવણીમાં ભાગ લેવાની મંજૂરી આપતી એપ્લીકેશન લોંચ કરી હતી.

આ નવી એપ્લિકેશન ટૂંક સમયમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થશે. એક પત્રકાર તરીકેના પોતાના દિવસોને યાદ કરતાં ચીફ જસ્ટિસ રમને કહ્યું કે મીડિયાને રિપોર્ટ કરવામાં સખત પડકારોનો સામનો કરવો પડે છે અને તે જાણ્યું છે કે કોર્ટની સુનાવણી પર સમાચાર લખવા માટે પત્રકારોને વકીલો પર નિર્ભર રહેવું પડે છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણ અંગે તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને એક એવી પ્રક્રિયા વિકસાવવા વિનંતી કરવામાં આવી હતી જેની મદદથી મીડિયાકર્મીઓ સુનાવણીમાં ભાગ લઈ શકે છે. ચીફ જસ્ટિસે કહ્યું, “હું થોડા સમય માટે પત્રકાર હતો. તે સમયે અમારી પાસે કાર કે બાઇક નહોતું. અમે બસમાં મુસાફરી કરતા હતા કારણ કે અમને આયોજકો પાસેથી પરિવહન સુવિધા ન લેવાનું કહેવામાં આવ્યું હતું.”

સુપ્રીમ કોર્ટની સુનાવણીના લાઈવ પ્રસારણની દિશામાં મીડિયાકર્મીઓ માટે લોંચ કરવામાં આવેલી એપ અંગે મુખ્ય ન્યાયધીશે કહ્યું કે આ એપ્લીકેશનનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ.ચીફ જસ્ટિસે કહ્યું કે ટેકનોલોજી,ખાસ કરીને નવી ટેકનોલોજી સંવેદનશીલ છે અને ઉપયોગના પ્રારંભિક દિવસોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે.
નાની સમસ્યાઓ આવશે અને તેઓને બિનજરૂરી રીતે તેના પ્રત્યે અતિશયોક્તિ ન બતાવવી જોઈએ, અને એપને વખોડવી જ જોઈએ.

(12:00 am IST)