Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોનાને હરાવવા ક્યાંક હવન તો ક્યાંક ધૂણી ધખાવાય છે

કોરોના સામેની લડાઈમાં વિવિધ ક્ષેત્રે અંધવિશ્વાસ દેખાયો : એક ટ્રોલીમાં હવનકુંડ બનાવવામાં આવ્યો જેમાં આહુતિ આપવાનું ચાલુ રાખીને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૧૩ : દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ચારે બાજુ માતમ છવાયેલો છે, લોકો બીમાર પડી રહ્યા છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ નોંધાઈ રહ્યા છે. મહામારીનો સામનો કરવા માટે દેશના ડૉક્ટર્સ દિવસ-રાત એક કરી રહ્યા છે અને વેક્સિનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. બધા વચ્ચે કોરોના વિરૂદ્ધની લડાઈમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં અંધવિશ્વાસ પણ દેખાઈ રહ્યો છે. ક્યાંક લોકો હવન કરાવી રહ્યા છે તો ક્યાંક ધૂણી ધખાવી રહ્યા છે જેથી કોરોનાને માત આપી શકાય.

કોરોના મહામારીએ હાલ ગામડાઓમાં પગપેસારો કર્યો છે અને ત્યાંના સ્વાસ્થ્ય વિભાગ એક્ટિવ થઈ શકે તે પહેલા લોકો પોતાની ધાર્મિક માન્યતાના બળે કોરોનાને માત આપવા એકજૂથ થઈ ગયા છે. મધ્ય પ્રદેશના રાજગઢમાં એક ટ્રોલીમાં હવનકુંડ બનાવવામાં આવ્યો હતો જેમાં આહુતિ આપવાનું ચાલુ રાખીને તેને સમગ્ર વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો.

લોકોનું એવું માનવું હતું કે તેમ કરવાથી વાયુમંડળ શુદ્ધ થશે અને કોરોના નબળો પડશે. હવનકુંડમાં અનેક ઔષધિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હરિયાણાના ઝજ્જરમાં પણ આવો માહોલ જોવા મળ્યો હતો. ત્યાંના ગ્રામીણોએ હવન કર્યો હતો અને ગૂગળ-લોબાનની ધૂણી આપીને આખા શહેરમાં યાત્રા કાઢવામાં આવી હતી.

ગ્રામીણોએ ટ્રેક્ટર-ટ્રોલીમાં હવનકુંડ રાખીને તેને ગામમાં ફેરવ્યો હતો અને લોકોને ઘરે-ઘરે યજ્ઞ કરવા વિનંતી કરી હતી.ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ હવનનું આયોજન કર્યું હતું. હવનની સામગ્રીને એક ડોલમાં સળગાવીને શહેરના વિવિધ વિસ્તારમાં તેનો ધુમાડો લઈ જવામાં આવે તેવો વીડિયો પણ વાયરલ થયો છે.

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના ગૌનરિયા ગામની એક તસવીર પણ સામે આવી હતી જ્યાં લોકોએ કોરોનાને માત આપવા પૂજા શરૂ કરી દીધી છે. ગ્રામીણોએ દિવસના અનુષ્ઠાનની શરૂઆત કરી છે. તેમાં ગામની મહિલાઓ અને પુરૂષો ખેતરોમાં ઉગતા અને આથમતા સૂરજને અર્ધ્ય આપીને મહામારીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના કાનપુરની એક સરકારી હોસ્પિટલનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાના વીડિયોમાં મહિલાઓ દર્દી સામે મંત્રોના જાપ કરીને તેઓ સાજા થઈ જશે તેવો દાવો કરતી દેખાય છે.

દેશના અનેક ક્ષેત્રમાંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકો કોઈ માન્યતા કે દેશી નુસ્ખા પર વધુ જોર આપી રહ્યા છે. પછી ભલે તે હવન હોય કે પછી છાણ વડે માલિશ. પ્રકારની તસવીરો લોકો સ્વાસ્થ્ય વ્યવસ્થા પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને પોતાની રીતે બચાવની પદ્ધતિઓ અપનાવી રહ્યા હોવાનું સૂચવે છે.

(7:43 pm IST)