Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગ્રહોની યુતિ જાતા કોરોના સંક્રમણ ઘટશે-નકારાત્મકતાનો માહોલ ઓછો થશેઃ ચંદ્રઍ રાશિ પરિવર્તન કરીને વૃષભમાં પ્રવેશ કર્યોઃ ૪ ગ્રહોનો મહાસંયોગ બન્યો

નવી દિલ્હી: વૃષભ રાશિમાં ચાર ગ્રહોનો યોગ બની રહ્યો છે. એટલે કે આ રાશિમાં એક સાથે ચાર ગ્રહો થોડા સમય માટે રહેશે. જ્યોતિષાચાર્યોનું માનીએ તો વૃષભ રાશિમાં પાપ ગ્રહ રાહુ પહેલેથી બિરાજમાન છે અને ત્યારબાદ બુધ ગ્રહ 1 મેના રોજ અને શુક્ર ગ્રહ 4 મેના રોજ વૃષભ રાશિમાં આવી ગયા હતા. જ્યારે 12મી મેની સવારે ચંદ્રએ પણ રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો. જેના કારણે ચંદ્ર, રાહુ, બુધ અને શુક્રની યુતિથી ચાર ગ્રહોનો મહાસંયોગ બની ગયો છે.

રાહુ, બુધ, શુક્ર અને સૂર્યની યુતિ

આમ તો 14મીમેના રોજ સાંજે 7 વાગ્યા બાદ લગભગ ચંદ્ર તો વૃષભ રાશિમાંથી નીકળી જશે પરંતુ 14મે ની જ રાતે 11.25 વાગે ગ્રહોનો રાજા સૂર્ય દેવ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ રાશિમાં રાહુ, બુધ, શુક્ર અને સૂર્યની યુતિથી એકવાર ફરીથી ચાર ગ્રહોનો યોગ શરૂ થઈ જશે જે 27 મે સુધી ચાલુ રહેશે. ત્યારબાદ 27 મેના રોજ જ્યારે બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ ચતુર્થ ગ્રહ યોગ સમાપ્ત થશે. ચાર ગ્રહોના આ યોગની તમારા પર શું અસર થઈ શકે છે તે અંગે અમે તમને જણાવીએ.

આ રાશિના જાતકો રહે સાવધાન

જ્યોતિષાચાર્યનું માનીએ તો ચાર ગ્રહોનો આ યોગ વૃશ્ચિક રાશિવાળા માટે સારો નહીં રહે કારણ કે રાહુલ, બુધ અને શુક્રની દ્રષ્ટિ વૃશ્ચિક પર રહેશે. વૃષભ, કન્યા, તુલા, અને કુંભ રાશિવાળાને આ ગ્રહોની યુતિથી લાભ થશે જ્યારે અન્ય સાત રાશિઓને લાભ ઓછો થશે અને તે દરમિયાન તેમણે સાવધાની વર્તવાની જરૂર રહેશે. આ સાથે જ કેટલીક પરેશાનીઓ પણ થઈ શકે છે. જો કે જ્યોતિષના કેટલાક એક્સપર્ટ્સનું માનીએ તો ચાર ગ્રહોની યુતિમાં શુક્રની હાજરીથી કોરોના સંક્રમણમાં પણ કમી આવી શકે છે અને દેશમાં નકારાત્મકતાનો માહોલ પણ ઓછો થશે.

ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા શું કરશો

મહામૃત્યુંજય મંત્ર અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, હં હનુમતે નમ: ઓમ નમ: શિવાયના જાપ કરો. આ દરમિયાન માતા દુર્ગા, ભગવાન શિવ, અને હનુમાનજીની પૂજા લાભકારી રહી શકે છે. આ સાથે જ રોજ સૂર્યદેવને જળ ચડાવો. ગરીબોની મદદ કરો અને અન્નનું દાન કરો. આમ કરવાથી તમે ગ્રહોના અશુભ પ્રભાવથી બચી શકો છો.

(4:48 pm IST)