Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

WHOનો મોટો ધડાકો

ભારતમાં વધતા સંક્રમણ માટે રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો જવાબદાર

ભારતમાં રાજકીય અને ધાર્મિક સમારોહોનું મોટાપાયે આયોજન થતાં સોશિયલ મિકિસંગમાં વધારો થયો- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

નવી દિલ્હી, તા.૧૩: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કહ્યું છે કે હાલમાં કરવામાં આવેલા આકલન મુજબ, ભારતમાં વધતા કેસો પાછળ અનેક બાબતો જવાબદાર છે. WHOએ જણાવ્યું કે તેમાં રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો સામેલ છે. સંસ્થાએ જણાવ્યું છે કે ભારતની કોવિડ સ્થિતિને જોતાં પડોશી દેશોમાં પણ ચિંતા વધતી જઈ રહી છે. આ દરમિયાન કોરોના વાયરસના વેરિયન્ટ B.1.617ના ભૂમિકાને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ભારતમાં વાયરસના ફેલાવાના અનેક કારણ છે, જેમાં અનેક ધાર્મિક અને રાજકીય સમારોહ સામેલ છે. જેના કારણે સોશિયલ મિકિસંગમાં વધારો થયો છે. બુધવારે પ્રકાશિત થયેલા WHOના વીકલી એપિડેમિયોલોજિકલ અપડેટમાં જણાવાયું છે કે, હાલમાં ભારતમાં WHO તરફથી કરવામાં આવેલા જોખમ આકલનમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના પ્રસારને વધારવા પાછળ અનેક કારણ છે, જેમાં સંભવિત રીતે વધતી સંક્રામકતાની સાથે SARS-CoV-2 વેરિયન્યના મામલામાં વૃદ્ઘિ સામેલ છે. અનેક ધાર્મિક અને રાજકીય સમારોહ યોજાયા, જેમાં સોશિયલ મિકિસંગ વધ્યું છે.

સાથોસાથ WHOએ પબ્લિક હેલ્થ એન્ડ સોશિયલ મેજર્સ (PHSM)નું યોગ્ય રીતે પાલન ન કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પહેલી વાર B.1.617 લાઇનેજ પહેલી વાર ઓકટોબર ૨૦૨૦માં જોવા મળ્યો હતો. અપડેટમાં જણાવાયું છે કે, ભારતે વધતા કેસ અને મોતના આંકડાએ B.1.617 અને અન્ય વેરિયન્ટ (B.1.1.7)ની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે.

અપડેટમાં જણાવાયું છે કે ભારત બાદ બ્રિટનમાં આવો સૌથી વધુ કેસ આવ્યા છે, જેનો સંબંધ B.1.617 સાથે જોડાયેલો છે. યૂકેએ હાલમાં જ તેને 'નેશનલ વેરિયન્ટ ઓફ કન્સર્ન'ની કેટેગરીમાં મૂકયો છે. વિશ્વની કોવિડ સ્થિતિ વિશે જણાવતાં અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ૫૫ લાખ કેસ અને ૯૦ હજારથી વધુ મોતની સાથે આ સપ્તાહ કોવિડ-૧૯ના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.

અપડેટ અનુસાર, દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સંક્રમિતોની ટકાવારી ૯૫% અને મોતની ટકાવારી ૯૩% બરકરાર છે. સાથોસાથ દુનિયામાં ભારત ૫૦ ટકા મામલા અને ૩૦ ટકા મોત પાછળ જવાબદાર છે. WHOના અપડેટમાં કહેવામાં આવ્યું છે કે પડોશી દેશોમાં ચિંતા વધારનારા આંકડો જોવા મળ્યા છે. આ સપ્તાહે ભારતમાં પહેલીવાર મળેલા B.1.617ના WHOએ 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' ગણાવ્યો છે.

(4:19 pm IST)