Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

પાકિસ્તાનને વધુ એક ફટકો : ચીનની વેકિસન લગાવનાર પાકિસ્તાની નાગરીકોને સાઉદીમાં 'નો-એન્ટ્રી'

પાકિસ્તાનના વડાપ્રધાન સાઉદી આરબના ૩ દિવસના પ્રવાસેથી પરત આવ્યાને જાહેરાત કરાઇ

નવી દિલ્હી,તા. ૧૩: દુનિયાના તમામ દેશોમાં કોરોનાવાયરસથી બચવા માટે વેકિસન આપવામાં આવી રહી છે. વેકિસન લીધાનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ કેટલાક દેશ આવવા માટે પરવાનગી આપી રહ્યા છે. આવા સમયમાં સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે.

સાઉદી આરબ જવાની તૈયારી કરી ચુકેલા પાકિસ્તાની નાગરિકોની આશા પર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પ્રશાસને પાણી ફેરવી દિધું છે. પાકિસ્તાનના વડાપ્રધાન રવિવારે રાત્રે જ સાઉદી આરબના ત્રણ દિવસના સરકારી પ્રવાસેથી પરત ફર્યા છે અને જે પછી તરત જ સાઉદીએ નવી જાહેરાત કરી છે.

સાઉદીએ કહ્યું કે તેઓ તે પાકિસ્તાનીઓને કોઈ પણ પ્રકારના વીઝા ઈશ્યૂ નહીં કરે જેઓએ ચીનમાં બનેલી વેકિસન લગાવી છે. તેનું કારણ એ છે કે સાઉદી રેગ્યુલેટરે ચીનની સાઈનોવેક અને સાઈનોફાર્મ વેકિસનને મંજૂરી નથી આપી. જો કે ચીને વેકિસન ડિપ્લોમસી અંતર્ગત આ વેકિસન સાઉદી મોકલી હતી.

મોટા ભાગના દેશોમાં ૨થી ૪ જેટલી વેકિસનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે અને સાઉદીમાં પણ ત્યાંની સરકારે અત્યાર સુધી માત્ર ચાર વેકિસનને જ મંજૂરી આપી છે જેમાં ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના અને જોનસન એન્ડ જોનસન. જેમાંથી જોનસન એન્ડ જોનસનની વેકિસન સિંગલ શોટ છે, એટલે કે તેનો એક જ ડોઝ લાગે છે. બાકી ત્રણેય વેકિસનના ડબલ ડોઝ આપવામાં આવે છે.

ચીન ભલે જ પોતાની બંને વેકિસનના ડોઝ સાઉદી આરબને મોકલ્યા છે, પરંતુ તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. માત્ર સાઉદી આરબ જ નહીં, ચીને અન્ય ખાડી દેશોને પણ પોતાની વેકિસન મોકલી હતી, પરંતુ હજુ સુધી આ દેશોના રેગ્યુલેટર્સે તેને મંજૂરી આપી નથી.

(3:35 pm IST)