Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મહારાષ્ટ્રમાં ૧ જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉનઃ માત્ર જરૂરી સેવાઓને છૂટ

રાજયમાં હવે લોકડાઉન પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી લાગુ રહેશેઃ અત્યાર સુધી રાજયમાં ૧૫ મે સુધી લોકડાઉન લાગુ હતું

મુંબઇ, તા.૧૩: મહારાષ્ટ્રમાં કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન વધારવાનો નિર્ણય લેવાયો છે. રાજયમાં હવે લોકડાઉન પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી લાગુ રહેશે. અત્યાર સુધી રાજયમાં ૧૫ મે સુધી લોકડાઉન લાગુ હતું, પરંતુ હવે ફરીથી તેને વધારવાનું નક્કી કરાયું છે. લોકડાઉન દરમિયાન રાજયમાં અગાઉની જેમ માત્ર જરૂરી સેવાઓની છૂટ રહેશે અને અગાઉના પ્રતિબંધો લાગુ રહેશે.

રાજયમાં પ્રવેશ કરનારા દરેક વ્યકિતને નેગેટિવ RTPCR કોરોના રિપોર્ટ બતાવવું પડશે. તે રિપોર્ટ ૪૮ કલાકથી વધુ જૂનો ન હોવો જોઇએ. સામાનની હેરફેર કરતી ગાડીઓમાં ડ્રાઇવર અને કિલનર સિવાય ત્રીજા વ્યકિતને પરવાનગી નહીં હોય. જો આવી ગાડીઓ પણ રાજયમાં બહારથી પ્રવેશ કરે તો ડ્રાઇવર તથા કિલનરને નેગેટિવ કોરોના રિપોર્ટ સાથે લાવવું પડશે. રાજયમાં તે વધુમાં વધુ સાત દિવસ રહી શકશે, તેનાથી વધુ રહેવા પર કવોરન્ટાઇન કરાશે.

એપીએમસીને કોરોનાના નિયમોનું કડક પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. એવા લોકો જે એરપોર્ટ અને દવાઓ તથા મેડિકલ ઉપકરણ સાથે જોડાયેલી વસ્તુની વ્યવસ્થામાં જોડાયેલા છે તેમને સ્થાનિક ટ્રાન્સપોર્ટ, મોનો રેલ તથા મેટ્રો રેલમાં અવરજવરની મંજૂરી હશે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યા છે અને બીજી લહેરમાં પણ ત્યાં જ સૌથી વધુ કેસ આવ્યા છે. ગયા મહિને મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. જેને વધારીને ૧૫ મે સુધી કરાયું હતું. હવે રાજયમાં લોકડાઉન વધારીને પહેલી જૂન સવારે ૭ વાગ્યા સુધી કરાયું છે.

(3:20 pm IST)