Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વેકસીન સંકટ ઉભુ થશેઃ ઉત્પાદન વધારજોઃ સરકારે ન સાંભળ્યું

સંસદીય સમિતિએ માર્ચ મહિનામાં જ સરકારને ભાવિ સંકટને લઈને ચેતવી હતી પરંતુ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું : સંસદની સ્થાયી સમિતિએ યુદ્ધસ્તરે રસીનુ ઉત્પાદન વધારવા સહિતની ભલામણો કરી હતી પરંતુ સરકાર ઉંઘતી રહી

નવી દિલ્હી, તા. ૧૩ :. કોરોના વાયરસના મહાસંકટને નિપટવા માટે દેશભરમાં રસીકરણનુ કામ ચાલુ છે, પરંતુ હાલ સૌથી મોટી સમસ્યા વેકસીનની અછત છે.

દેશના અલગ અલગ વિસ્તારોમાં વેકસીનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે. સંસદની સ્થાયી સમિતિએ માર્ચમાં એક રીપોર્ટ આપ્યો હતો જેમાં સરકારને અપીલ કરવામાં આવી હતી કે તૂર્ત વેકસીનના પ્રોડકશનને વધારવામા આવે પરંતુ ત્યારે આવુ કરવામાં આવ્યુ નહોતું.

વિજ્ઞાન અને ટેકનોલોજી તથા વન-પર્યાવરણને લગતી સંસદની સ્થાયી સમિતિએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તથા માર્ચ મહિનામાં પોતાની બેઠકમાં રસીકરણ અંગે ઉંડાણથી ચર્ચા કરી હતી. આ રીપોર્ટ સંસદની ટેબલ પર ૮મી માર્ચે રાખવામાં આવ્યો હતો. કુલ ૩૧ સભ્યોવાળી આ કમિટીમાં ૧૪ સભ્યો સત્તાધારી પક્ષના છે. જેમાથી એકએ પુષ્ટી કરી છે કે કમિટીના અનેક સભ્યોએ ભારતમાં વિકસીત અને બનેલી બન્ને પ્રકારની રસીનું ઉત્પાદન યુદ્ધ સ્તર પર વધારવાની સાથે રસીકરણની સ્પીડ પણ વધારવા ભલામણ કરવામાં આવી હતી.

સમિતીએ ચર્ચા પર એ બાબત પર ભાર મુકયો હતો કે રસીકરણ અને ઉત્પાદનની સ્પીડ સાથે વધારવી જોઈએ કે જેથી સમાજના અંતિમ છેવાડાના માણસને સરળતાથી રસી મળે.

આ બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે પ્રાથમિકતાવાળા ગ્રુપ ઉપરાંત આ જ ગાળામાં અન્ય લોકોને કેવી રીતે રસી આપવી ? તેની વ્યવસ્થા પર વિચારણા થવી જોઈએ.

સમિતીના રીપોર્ટમાં જણાવાયુ હતુ કે દેશમાં તમામ પુખ્ત લોકોને રસીકરણ માટે ૧.૯ બીલીયન ડોઝની જરૂર પડશે પરંતુ સરકાર તરફથી આપવામાં આવેલા આંકડા અનુસાર ઉત્પાદન તો કેટલાક લાખ ડોઝનું જ થયુ છે.

સમિતિની ભલામણ ઉપર સરકારે કોઈ ધ્યાન ન આપ્યુ અને તેનુ પરિણામ આજે સામે છે.

(3:18 pm IST)