Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

યુપીની પંચાયત ચુંટણીમાં કોરોનાથી નિધન થયેલા કર્મચારીઓના પરિવારને 1 કરોડ વળતર આપવા અલ્હાબાદ હાઇકોર્ટની તાકીદ

દરેક જિલ્લામાં ત્રણ સભ્યોની કોરોના રોગચાળાની જાહેર ફરિયાદ સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો

લખનૌ : અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે યુપી પંચાયતની ચૂંટણી દરમિયાન ફરજ બજાવતી વખતે કોરોનાને કારણે  માર્યા ગયેલા કર્મચારીઓને ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ, કારણ કે તેમના માટે તેમની ફરજો નિભાવવી ફરજિયાત હતી. તેથી રાજ્ય ચૂંટણી પંચ અને સરકારે વળતરની રકમ પર પુનર્વિચાર કરવો જોઈએ.

જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ અજિત કુમારની ડિવિઝન બેંચે રાજ્ય ચૂંટણી પંચ અને યુપી સરકારને વળતરની જાહેર કરેલી રકમ પરત ખેંચવા કહ્યું છે. યુપી સરકારે અગાઉ હાઈકોર્ટને કહ્યું હતું કે તે કોરોનાથી માર્યા ગયેલા કર્મચારીઓને 35 લાખ રૂપિયા ચૂકવે છે. હાઇકોર્ટે કહ્યું કે આ રકમ ઘણી ઓછી છે. તે ઓછામાં ઓછી એક કરોડ હોવી જોઈએ.

આ ઉપરાંત હાઇકોર્ટે 48 જિલ્લામાં દરેક જિલ્લામાં ત્રણ સભ્યોની કોરોના  રોગચાળાની જાહેર ફરિયાદ સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે યુપી સરકારને બહરાઇચ, બારાબંકી, બિજનોર, જૈનપુર અને શ્રાવસ્તીના શહેરી અને ગ્રામીણ ભાગોમાં લેવાયેલા કોરોના પરીક્ષણોની તપાસ અને પ્રયોગશાળા જ્યાંથી પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવા આદેશ આપ્યો હતો.

 

ત્રણ સભ્યોની કોરોના રોગચાળાની જાહેર ફરિયાદ સમિતિમાં જિલ્લા ન્યાયાધીશ અથવા સમાન રેન્કના ન્યાયિક અધિકારી, મેડિકલ કોલેજના પ્રોફેસર, મેડિકલ કોલેજના આચાર્ય દ્વારા નિયુક્ત કરવા માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો સમાવેશ થવો જોઇએ. જો ત્યાં કોઈ મેડિકલ કોલેજ નથી તો જિલ્લા હોસ્પિટલના ડોક્ટરને તે જિલ્લા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક દ્વારા નિયુક્ત કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેન્કના વહીવટી અધિકારીની નિમણૂક થઈ શકે છે. આ ઓર્ડર પસાર થયાના 48 કલાકમાં આ ત્રણ સભ્યોની રોગચાળાની જાહેર ફરિયાદ સમિતિ અસ્તિત્વમાં આવશે. તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં ફરિયાદો સંબંધિત તહસિલના એસડીએમને કરી શકાશે જે રોગચાળો જાહેર ફરિયાદ સમિતિને મોકલશે.

(9:21 am IST)