Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

કોવિડ ૧૯ સંક્રમિત દર્દીનું કેવી રીતે થાય છે મોતઃ રહસ્ય પરથી પડદો ઊંચકાયો

વૈજ્ઞાનિકોના મતે રોગ પ્રતિકારનો અતિરેક કોરોનાના દર્દીના મોતનું કારણ બને છે

બેઈજિંગ, તા.૧૪: કોરોના વાયરસ સંક્રમણને લીધે વિશ્વમાં લાખો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોને એક મહત્વની માહિતી ઉપલબ્ધ થઈ છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોવિડ ૧૯થી સંક્રમિત થયેલા લોકોમાં રોગપ્રતિકારક શકિતના અતિરેકથી તેમનું મોત થાય છે. 

મેગેઝિન ફ્રન્ટિયર્સ ઈન પબ્લિક હેલ્થમાં પ્રકટ થયેલા એક અભ્યાસ મુજબ સંશોધકોએ તબક્કાવાર રીતે આ વાત જણાવી છે. તેમના સંશોધન મુજબ કોરોના વાયરસ કેવી રીતે શ્વાસ માર્ગને સંક્રમિત કરે છે, કોષોની અંદર અનેક ગણ વધુ ફેલાય છે અ ગંભીર કેસોમાં રોગપ્રતિરોધક શકિતનો અતિરેક સર્જે છે જેને વૈજ્ઞાનિકોની ભાષામાં સાઈટોકાઈન સ્ટોર્મ કહેવામાં આવે છે.

સાઈટોકાઈન સ્ટોર્મ શ્વેત રકત કણોની અતિસક્રિયતાની સ્થિતિ છે. આ સ્થિતિમાં મોટાપાયે સાઈટોકાઈન રકતમાં ઉત્પાન થાય છે. આ અભ્યાસના લેખક અને ચીનના જુન્યી મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર દાઈશુન લીયૂએ જણાવ્યું કે, સાર્સ અને મર્સ જેવા સંક્રમણ બાદ પણ આવું જ થતું હતું. આંકડા સુચવે છે કે કોવિડ ૧૯થી ગંભીર રીતે સંક્રમિત દર્દીઓને સાઈટોકાઈન સ્ટોર્મ સિન્ડ્રોમ થઈ શકે છે.

લીયૂના મતે ઝડપથી વિકસિત થતું સાઈટોકાઈન વધુ પ્રમાણમાં લિમ્ફોસાઈટ અને ન્યુટ્રોફિલ જેવી પ્રતિકારક કોષિકાઓને આકર્ષિત કરે છે જેને પગલે આ કોષો ફેંફસાની કોષિકાઓમાં ઉતરે છે અને ફેફસાને વધુ નુકસાન થઈ શકે છે. સાઈટોકાઈન સ્ટોર્મથી સખત તાવ આવે છે અને શરીરમાં લોહીની સ્થિતિ સર્જાઈ છે. શ્વેત રકતકણો સ્વસ્થ પેશીઓ પર પણ હુમલો કરવા લાગે છે અ ફેફસા, હ્રદય, લીવર, આંતરડા, કીડની અને અન્ય અંગો પર પ્રતિકૂળ અસર થાય છે. મલ્ટિપલ ઓર્ગન પર થતી અસરોથી તે ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી શકે છે. ફેફસા પણ કામ કરવાનું બંધ કરી દે છે અને તેને એકયૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ કહેવાય છે. સંશોધકોના મતે કોરોના વાયરસની મહામારીમાં લાખો મોત પૈકી સૌથી મોટું કારણ શ્વસન પ્રક્રિયાને લગતું હોવાનું જણાયું છે.

(10:29 am IST)