Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પાકિસ્તાનમાં ૨૦૦૦થી વધુ સરકારી શિક્ષકોને ગણતરીની મિનિટોમાં કરી દેવાયા સસ્પેન્ડ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના એક રાજય બલૂચિસ્તાનના શિક્ષણ વિભાગે ગયા અઠવાડિયે ૨,૦૦૦થી વધુ શિક્ષકોને એક ધડાકે સસ્પેન્ડ કરી દીધા. આ શિક્ષકો કવેટા, ડેરા બુગતી, પિશિન, કિલા અબ્દુલ્લા અને રાજયના અન્ય જિલ્લાઓના છે. બલૂચિસ્તાનના શિક્ષણ સચિવ તૈયબ લહરીએ આ માહિતી આપી છે.

લહરીએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, ઙ્કઅમે નિષ્ક્રિય શાળાઓને કાર્યરત કરવા માટે તેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કડક હાથે કામ શરૂ કર્યું છે. શિક્ષણ સચિવે જણાવ્યું કે, સસ્પેન્ડ કરાયેલા આ શિક્ષકોને સ્કૂલમાંથી ગેરહાજર રહેવા બાબતે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, તેઓ આ નોટિસનો જવાબ આપવા સ્કૂલમાં હાજર રહ્યા ન હતા.

સચિવે જણાવ્યું કે, પિશિનમાં ૨૦૦થી વધુ શિક્ષકો, ૮૧ ડેરા બુગતીમાં અને અન્ય શિક્ષકોને જુદા-જુદા જિલ્લાઓમાંથી સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર બલુચિસ્તાનમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર શિક્ષણ સુધીની સ્કૂલમાં શિક્ષકોની સંખ્યા ૭૦,૦૦૦થી વધારે છે.

આ પ્રથમ વખત રાજયની સરકાર દ્વારા ગેરહાજર રહેનારા શિક્ષકો સામે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજયમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા માટે બલૂચિસ્તાનના શિક્ષણ સલાહગાર મોહમ્મદ ખાન લહરી દ્વારા કરાયેલી સમીક્ષા બેઠક પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બેઠકમાં ૧૮૦૦થી વધુ બિનક્રિયાશિલ સ્કૂલને સક્રિય કરવા માટે અને રાજયની ૬૭ માધ્યમિક, ૮૦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને અપગ્રેડ કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

(3:32 pm IST)