Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અનેક મત વિસ્તારોમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે? રાજકીય પંડિતો પણ ગોટે ચડયા

અનેક જગ્યાએ પરિણામો ચોંકાવનારા આવે તેવી શકયતા : પહેલીવાર મતદાન કરનાર મતદારો નિર્ણાયક બનશે

નવી દિલ્હી, તા.૧૪: ઘણી જગ્યાએ ધાર્યા કરતા ઓછું મતદાન અને જુદા-જુદા સમિકરણોને કારણે ચુંટણીને રોમાંચ હવે બરાબર દેખાઇ રહ્યો છે ઓછું મતદાન કોને ફાયદો કરશે એનો ચોકકસ અંદાજ રાજકીય પંડિતો પણ નથી કરી શકતા.

છઠ્ઠો તબકકો પુરો થયા પછી એવી આશા છે કે ઘણી જગ્યાઓએ પરિણામ અણધાર્યા આવશે. એવું મનાઇ રહ્યું છે કે મતદારોનું વલણ અલગ રાજયો અને વિસ્તારોમાં એક સરખું નથી. જાણકારોનું માનવું છે કે સ્થાનિક પક્ષોની ઘેરાબંધીથી ચુંટણીનું વાતાવરણ રોચક બન્યું છે. જાતિઓનું સમીકરણ યુપી અને બિહાર જેવા રાજયોમાં હાવી છે પણ તે કઇ બેઠક પર કોના પક્ષે છે તેનો આંકડો માંડવો એકદમ અઘરો છે.

પોલિસી થીંક ટેંક ચેંજ ઇન્ડિયાના ડાયરેકટર માનસ નિયોગનું કહેવું છે કે યુપીમાં મુકાબલો કસોકસનો છે. અહીં ઘણી બેઠકોના સમીકરણો ગુંચવાયેલા છે. અહીં આ ટવેન્ટી-ટવેન્ટી મેચ જેવી રોમાંચક સ્થિતી દેખાય છે. એક ઓવર પછી બીજી ઓવરમાં તસ્વીર બદલાય જાય છે. યુપીમાં ઘણી બેઠકો પર ગઠબંધનની સ્થિતિ મજબૂત દેખાય છે. તો બિહારમાં એનડીએ મજબૂત દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ માટે સારી વાત એ છે કે ગત ચુંટણીમાં ઘણા રાજયોમાં તેનું ખાતુ પણ નહોતું ખુલ્યું ત્યાં તે કેટલીક બેઠકો પર સીધો મુકાબલો કરી રહી છે.

જાણકારોનું કહેવું છે કે જો મતદારોના દિમાગમાં જાતીય સમિકરણો હોય તો એમ માનવું પડે કે આ ચૂંટણી કોઇ પણ પ્રકારની લહેર વગરની છે. વધારે દારોમદાર પહેલીવાર મત આપનાર યુવાઓ પર છે, તેમનું વલણ નિર્ણાયક બનશે. ભાજપાને સૌથી વધુ ભરોસો આ મતદારો પર જ છે. જયારે વિરોધપક્ષે રોજગારનો મુદો ઉઠાવીને તેમને પોતાની તરફેણમાં કરવાના પ્રયત્નોમાં છે.

(11:17 am IST)