Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

કોંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષની બેઠક માટે મમતાનો નનૈયોઃ માયાવતી-અખિલેશનું મૌન

મત ગણતરી પહેલા વિપક્ષને એક જુથ રાખવા અને રાષ્ટ્રપતિને મળવાની રણનીતિ આકાર લેતી નથીઃ મમતા, માયા, અખિલેશ બીન ભાજપ - બીન કોંગી પક્ષની સરકારની તરફેણમાં

નવી દિલ્હી, તા. ૧૪ :. મત ગણતરી પહેલા વિરોધ પક્ષોને સાથે રાખવા અને રાષ્ટ્રપતિને મળવાની રણનીતિ સફળ થાય તેવુ જણાતુ નથી. ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પરિણામો પહેલા વિપક્ષી દળોની બેઠક માટેના પાડી દીધી છે, જ્યારે બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશે આ અંગે કોઈ જવાબ નથી આપ્યો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ આ બેઠક માટે વિપક્ષી દળોના સંપર્ક કરવામાં લાગી પડયા છે. આ માટે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મમતા સહિત લગભગ દોઢ ડઝન સ્થાનિક પક્ષોના નેતાઓનો સંપર્ક કર્યો છે.

ટીડીપી સૂત્રો અનુસાર ગયા અઠવાડીયે મમતાએ નાયડુ સાથેની મુલાકાતમાં કહ્યું કે ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા આ પ્રકારની બેઠકમાં તે ભાગ નહી લે. બીજી બાજુ અખિલેશ અને માયાવતીએ પણ આ બેઠક બાબતે કોઈ આશ્વાસન નથી આપ્યું. જો કે એનસીપી, આરજેડી, ડીએમકે, જેડીએસ સહિતના પક્ષો બેઠક માટે સંમત છે. કોંગ્રેસના નેતૃત્વમાં આ પ્રસ્તાવિત બેઠકમાં વિપક્ષી દળો વચ્ચે એકતા બનાવવા અને રાષ્ટ્રપતિને મળીને કોઈ પક્ષ અથવા ગઠબંધનને બહુમતિ ન મળી હોય તેવી પરિસ્થિતિમાં બહુમતિ ચકાસ્યા વિના કોઈને પણ સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવાની વિનંતી કરવાની રણનીતિ હતી. આના માટે ૨૧ અથવા ૨૨ મે ના રોજ બેઠક કરવાની હતી.

વિપક્ષોનું માનવુ છે કે, આ વખતે કોઈ પણ પક્ષ તો ઠીક પણ કોઈ ગઠબંધનને પણ બહુમતી નહીં મળે. આ પરિસ્થિતિમાં સત્તાધારી એનડીએનું નેતૃત્વ કરનાર ભાજપા બીજા પક્ષોના નેતાઓને પોતાની સાથે લાવવાની પહેલ કરશે. વિપક્ષી દળો ઈચ્છે છે કે પરિણામો આવ્યા પહેલા જ એનડીએને સત્તામાં ફરીથી આવતા રોકવાની રણનીતિ બનાવી લેવાય જેથી વિપક્ષી એકતામાં તરાપ ન મારી શકાય.

ખરેખર તો મમતા, માયાવતી, અખિલેશ જેવા નેતાઓ બિન કોંગ્રેસી, બિન ભાજપા સરકારના પક્ષમાં છે, એટલે આ નેતાઓ પરિણામો આવ્યા પહેલા કોંગ્રેસની આગેવાની હેઠળ થનારી આ બેઠકથી દૂર રહેવા માગે છે. આ નેતાઓ ઈચ્છે છે કે પહેલા પરિણામો આવી જાય, ત્યાર પછી સંખ્યા બળના આધારે રણનીતિ બનાવવામાં આવે. જો ખરેખર કોઈને બહુમતિ નહી મળે તો તે પરિસ્થિતિમાં મમતા, માયા, અખિલેશ, કે. ચંદ્રશેખર રાવ, જગનમોહન રેડ્ડી, નવીન પટનાયક જેવા નેતાઓનું વલણ મહત્વપૂર્ણ બનશે.

(11:03 am IST)