Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

આર્મીને સપ્લાય થાય છે હલકી કક્ષાનો દારૂગોળોઃ દુર્ઘટનાઓમાં વધારો

આર્મીએ વ્યકત કરી ચિંતાઃ ઓર્ડીનન્સ ફેકટરી બોર્ડ દ્વારા સપ્લાય થાય છે પુરવઠોઃ દુર્ઘટનાઓને કારણે જવાનોના જીવ જાય છે અને જવાનો ઘાયલ થાય છેઃ હલકી ગુણવત્તાથી આર્મીની યુદ્ધ ક્ષમતાઓ ઉપર પણ અસર પડે છેઃ આર્મીએ સંરક્ષણ મંત્રાલયને લેખીતમાં ફરીયાદ કરીઃ હાલ આર્મીએ લાંબા અંતરના દારૂગોળાથી ફાયરીંગ બંધ કર્યુ

નવી દિલ્હી, તા. ૧૪ :. ભારતીય આર્મીએ નિમ્ન કક્ષાનો દારૂગોળો અને યુદ્ધ ઉપકરણોથી ફિલ્ડમાં થતી દુર્ઘટનાઓને લઈને ચેતવણી આપી છે. આ દારૂગોળો સરકારના પ્રભુત્વવાળી ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ તરફથી સપ્લાય થતો હોય છે. જેમા ટેન્ક, આર્ટીલીયરી, એર ડીફેન્સ અને બંદુકો સામેલ છે.

આર્મીએ સંરક્ષણ મંત્રાલયને જણાવ્યુ છે કે દારૂગોળાથી સંબંધિત દુર્ઘટનાઓને કારણે સૈનિકોના જીવ જઈ રહ્યા છે. તેઓ ઘાયલ થઈ રહ્યા છે અને ઉપકરણોને નુકશાન થઈ રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આના કારણે ફેકટરી બોર્ડ દ્વારા નિર્મિત મોટા ભાગના દારૂગોળાને લઈને આર્મીનો વિશ્વાસ ઓછો થતો જાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાએ રક્ષા સચિવ (ઉત્પાદન) અજય કુમાર સમક્ષ ફેકટરી દ્વારા દારૂગોળાની ગુણવત્તા પર યોગ્ય ધ્યાન ન આપવાને લઈને ગંભીર ચિંતા વ્યકત કરી છે. ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડની દેશભરમાં ૪૧ ફેકટરીઓ છે અને તેનુ વાર્ષિક ટર્નઓવર લગભગ ૧૯૦૦૦ કરોડ રૂપિયા છે જે ૧૨ લાખ મજબુત આર્મીને હથીયારો અને દારૂગોળો સપ્લાય કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેકટરી બોર્ડની પ્રોડકટની ગુણવત્તામાં આવેલી કમીને કારણે તેની અસર દેશની યુદ્ધ ક્ષમતાઓ ઉપર પણ પડે છે. આ ચેતવણીને લઈને સેના અને રક્ષા સચિવે ફેકટરીના કામકાજને વધુ સારૂ બનાવવા માટે જરૂરી પ્રયાસ કરવા જણાવાયુ છે.

રક્ષા સચિવ ઉત્પાદને સેનાને પોતાની ફરીયાદ લેખીતમાં આપવા કહ્યુ છે. ૧૫ પાનામાં સેનાએ પોતાની ફરીયાદ રજૂ કરી છે. જે એક અત્યંત ગંભીર તસ્વીર રજૂ કરે છે. જેમાં જણાવાયુ છે કે, નિયમીત રીતે દુર્ઘટનાઓ ૧૦૫ એમ.એમ. ઈન્ડીયન ફિલ્ડ ગન્સ, ૧૦૫ એમએમ લાઈટ ફિલ્ડ ગન્સ, ૧૩૦ એમએમ એમએ-૧ મીડીયમ ગન્સ, ૪૦ એમએમ એલ-૭૦ એર ડીફેન્સ ગન્સ અને ટુ-૭૨, ટી-૯૦ અને અર્જુન બેટલ ટેન્કસથી થઈ રહી છે.

આ સિવાય ખામીયુકત દારૂગોળાને કારણે કેટલાક મામલામા ૧૫૫ એમએમ બોફોર્સ ગન્સ પણ સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓર્ડીનન્સ ફેકટરી સમસ્યાને ઉકેલવા ગંભીર નથી જેના કારણે સેનાએ લાંબા અંતરના દારૂગોળાનું ફાયરીંગ બંધ કર્યુ છે.(૨-૨)

(11:02 am IST)