Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

શેરબજારની માઠીઃ સતત ૯ દિવસ તૂટયું: ૮ લાખ કરોડ ડૂબ્યા

મે ૨૦૧૧ બાદ પહેલીવાર શેરબજાર એકધારૂ ૯ દિવસ તૂટયુઃ ટ્રેડવોર, ચૂંટણીની અનિશ્ચિતતા, કંપનીઓના પરિણામો અને ક્રૂડના ભાવમાં વધારો થતા બજાર તૂટે છેઃ ૯ દિવસમાં સેન્સેકસ ૨૦૦૦ પોઈન્ટ તો નિફટી ૬૦૦ પોઈન્ટ તૂટયોઃ રોકાણકારોમાં ગભરાટનો માહોલઃ ચૂંટણીના પરિણામ સુધી પરિણામ હચમચતુ રહેશે

નવી દિલ્હી, તા. ૧૪ :. સામાન્ય ચૂંટણીને લઈને અનિશ્ચિતતા અને અમેરિકા તથા ચીન વચ્ચે ફાટી નીકળેલી ટ્રેડવોરની આશંકા વચ્ચે શેરબજાર છેલ્લા ૯ દિવસથી તૂટી રહ્યુ છે. આ ૯ દિવસોમાં સેન્સેકસમાં લગભગ ૨૦૦૦નું અને તથા નિફટીમાં ૬૦૦ અંકનું ગાબડુ પડયુ છે. આનાથી રોકાણકારોના ૮ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

૩૦ એપ્રિલના રોજ બીએસઈનું માર્કેટ કેપ ૧,૫૨,૫૪,૦૨૮.૦૬ કરોડ હતુ જે ૧૩ મે એ ઘટીને ૧,૪૪,૫૫,૦૨૬.૦૯ કરોડ રૂ. રહી ગયુ છે. શેરબજારના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ટ્રેડવોર અને ચૂંટણી પરિણામને લઈને બજારમાં આશંકા બની છે. ચિંતિત રોકાણકારોએ ટ્રેડીંગના અંતિમ કલાકોમાં વેચવાલી ઉપર ભાર મુકયો છે. વળી, એનબીએફસી કંપનીઓમાં રોકડની ઉપલબ્ધતાને લઈને ચિંતા છે. ૨૩ મે એ પરિણામો આવે ત્યાં સુધી આ અનિશ્ચિતતા ચાલુ રહેશે.

એટલુ જ નહિ ક્રૂડના ભાવો વધવાથી ડોલર સામે રૂપિયો પણ ગઈકાલે ૫૯ પૈસા તૂટી ૭૦.૫૧ ઉપર બંધ રહ્યો હતો.

શેરબજારમાં સતત ૯ ટ્રેડીંગ સેશનમાં ઘટાડો મે ૨૦૧૧ બાદ જોવા મળ્યો છે. જે રીતે બજાર ઓગળી રહ્યુ છે તેના કારણે ભારત દુનિયાના સૌથી મૂલ્યવાન બજારોની યાદીમાં ૧ પોઈન્ટ નીચે ચાલ્યુ ગયુ છે. નિષ્ણાંતો કહે છે કે, વૈશ્વિક અને ઘર આંગણાના વલણને કારણે બજાર ઘટી રહ્યુ છે. જો ભાજપ ફરીથી સત્તામા નહી આવે તો બજારમાં ઘટાડો વધુ જોવા મળશે.

૮ વર્ષમાં પહેલીવાર બજાર સતત ૯ દિવસે તૂટયુ છે. સેન્સેકસ ૩૭૦૦૦ની નીચે ચાલ્યો ગયો છે તો નિફટી પણ ૧૧૧૫૦ના નિચલા સ્તરે પહોંચી ગયો છે. ગઈકાલે અંતિમ સમયમાં આઈટીસી, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ, ટાટા સ્ટીલ, યશ બેન્ક, ઈન્ડસ બેન્ક, સન ફાર્મા. વગેરે તૂટયા હતા. મોંઘવારીનો દર પણ ઉંચો આવ્યો તેના કારણે પણ બજાર તૂટયુ હતું.

(11:02 am IST)